ભાણવડના જૂના ટીંબામાં ખેડૂત ઉપર હુમલો કરનાર શેઢા પાડોશી સહિત 11ને પાંચ વર્ષની જેલ
ભાણવડ તાલુકાના નવાગામ જુના ટીંબા ખાતે રહેતા ફરિયાદી પ્રદીપભાઈ મનુભાઈ બગડાને આરોપી જીવણભાઈ જેરામભાઈ પાડલીયા સાથે વાડી (જમીન) ખેડવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આરોપી જીવણભાઈએ તેમની જમીન ભાગમાં વાવતા ભાગીયાઓ અને તેમના પુત્રો વિગેરે દ્વારા રાત્રીના સમયે તેમના ઘરે લાકડી, પાઇપ, ધારીયા, કુહાડા વિગેરે જેવા જીવલેણ હથિયારો સાથે ત્રાટકી અને ગેરકાયદેસર મંડળી રચી, પૂર્વયોજિત કાવતરાથી ફરિયાદી પ્રદીપભાઈ બગડાના ઘરે ઘૂસી આવ્યા હતા.
અહીં આરોપી જીવણભાઈ સાથે અન્ય આરોપીઓ મયુર ધનાભાઈ પાથર, હરેશ ધનાભાઈ પાથર, ચનાભાઈ વેજાભાઈ પીપરોતર, જીવણભાઈ પરબતભાઈ પાથર, કમલેશભાઈ ઉર્ફે પ્રકાશ પરબતભાઈ પાથર, દિવ્યેશ ચનાભાઈ પીપરોતર, પારસ ચનાભાઈ પીપરોતર, ખીમજી વજસીભાઈ કદાવલા, રામાભાઈ ઉર્ફે કેતન વજશીભાઈ કદાવલા અને ધનાભાઈ રામશીભાઈ પાથર નામના કુલ 11 શખ્સો દ્વારા ફરિયાદી તથા તેમના ઘરના સભ્યોને હથિયાર વડે બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા સબબ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 307 વિગેરે, રાયોટીંગ, એટ્રોસિટી, જી.પી. એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ખંભાળિયાના સ્પેશિયલ એટ્રોસિટી અને એડિશનલ સેશન્સ જજ એસ.જી. મનસુરીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે પ્રથમ આરોપી જીવણભાઈ પાડલીયા મૃત્યુ પામ્યા હોવાથી તેને એબેટનો હુકમ કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ મયુર ધનાભાઈ, હરેશ ધનાભાઈ, ચનાભાઈ વેજાભાઈ, જીવણભાઈ પરબતભાઈ, કમલેશભાઈ ઉર્ફે પ્રકાશ પરબતભાઈ, દિવ્યેશ ચનાભાઈ, પારસ ચનાભાઈ, ખીમજીભાઈ વરશીભાઈ, રામાભાઈ ઉર્ફે કેતનભાઈ વજસી ભાઈ અને ધનાભાઈ રામશીભાઈને તકસીરવાન ઠેરવી, આઈ.પી.સી. કલમ 307 ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ તેમજ અન્ય કલમ હેઠળ જુદી જુદી સજા સાથે કુલ રૂૂ. 16,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
