ભત્રીજી ઉપર દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાને 10 વર્ષની સજા
સુરેન્દ્રનગરમાં રહેતી બે સંતાનોની માતા એવી પરિણીતાને તેનો કૌટુંબીક કાકા લગ્ન કરવાની લાલચે ભગાડીને લઈ ગયો હતો અને સાણંદ ગ્રામ્યની વાડીમાં ખેતમજૂરી કરવા રહી કાકાએ કૌટુંબીક ભત્રીજી સાથે વાસના સંતોષી હતી. આ કેસ તા. 9મી સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે. સુરેન્દ્રનગરમાં રહેતી યુવતીના ધ્રાંગધ્રા ખાતે લગ્ન કરાયા હતા. જેમાં તેને સંતાનમાં બે પુત્રો થયા હતા. વર્ષ 2017માં આ પરિણીતા પિતૃગૃહે રીસામણે આવી હતી.
ત્યારે પરિણીતાને તેના કૌટુંબીક કાકા સાથે મનમેળ થઈ ગયો હતો. આ કાકા તેને અવારનવાર ભાગીને લગ્ન કરવાનું કહેતો હતો. તા. 24-9-2017એ ત્રણ-ચાર કલાક માટે બહાર જઈએ તેમ કહી ઈકો કારમાં તે ભત્રીજીને લઈને વિરમગામ સગાને ત્યાં ગયો હતો. તેઓના સગા સાણંદના એક ગામમાં ભાગવી વાડી રાખતા હોઈ બન્ને ત્યાં જઈને મજુરી કામ કરતા હતા. ત્યારે કાકાએ હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી કુકર્મ કર્યુ હતુ. થોડા દિવસો પછી ભત્રીજીએ લગ્ન કરવાની વાત કરતા કાકાએ ના પાડી દીધી હતી. આથી પરિણીતા પિતૃગૃહે આવી હતી. અને કૌટુંબીક કાકા સામે જોરાવરનગર પોલીસ મથકે તા. 5-12-2017ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ તા. 26-4-2018એ સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં દાખલ થયો હતો.
ત્યારે તા. 9મીએ આ કેસ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ રાજભા રાઓલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. અને ચોથા એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો. જો તે દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા પણ સંભળાવાઈ છે.