સુરતમાંથી 10 હજાર કિલો નકલી ઘી ઝડપાયું
ગોરખધંધા કરતી ત્રણ ફેકટરી ઉપર પોલીસના દરોડા, એક કરોડના મુદ્દામાલ સાથે ચાર શખ્સો ઝડપાયા
દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ અને તેના ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં કુલ 1,20,56,500ની મત્તાનો ડુપ્લીકેટ ઘીનો જથ્થો અને તેને બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ SOGએ ચાર આરોપીને પણ ઝડપી પાડ્યાં છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરીયા (ઉં.વ. 38, રહે. સુર્યાંજલી રેસીડેન્સી, અમરોલી), અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા (ઉં.વ.36, રહે. વાઇટ પેલેસ એપાર્ટમેંટ, અમરોલી), સુમીતકુમાર જયેશભાઈ મૈસુરીયા (ઉં.વ.35, રહે. સન રેસીડેન્સી, અમરોલી), દિનેશકુમાર તેજાજી ગેહલોત (ઉં.વ. 32, રહે. ઈવા એમ્બ્રો પાર્ક, અમરોલી) છે. તમામ આરોપીઓનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે.
SOG પોલીસે રેડ દરમિયાન ભેળસેળયુક્ત ડુપ્લીકેટ ઘી 9919 કિલોગ્રામ, જેની કિંમત આશરે 67,00,550 છે. આ સાથે ડુપ્લીકેટ ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મશીનો અને કાચા માલ મળીને કુલ 53,55,950ની મત્તાનો મુદ્દામાલ છે, કુલ કબજે કરેલી મત્તા રૂૂ. 1,20,56,500ની છે.પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ આર્થિક ફાયદા માટે આ નકલી ઘીને બજાર કિંમત કરતાં સસ્તા ભાવે વેચતા હતા. તેઓ મુખ્યત્વે સ્લમ વિસ્તારમાં આવેલી કિરાણાની દુકાનો પર તેમજ સુરતની આજુબાજુના જિલ્લાઓમાં આ ઘીનું છૂટક વેચાણ કરતા હતા.
રેડ કરવામાં આવેલી ફેક્ટરી અને ગોડાઉનના નામ
શ્રી માધવ ડેરી પ્રોડક્ટ: બ્લોક નંબર 84, સરદારનગર, કોસાડ, અમરોલી ખાતે આવેલી ફેક્ટરી અને પ્રમુખ હાઇટ્સ, કોસાડ ખાતે આવેલું તેનું ગોડાઉન. ન્યુ આદીનાથ ડેરી પ્રોડક્ટ: પ્લોટ નંબર 28, પ્રગતી ઇકોપાર્ક ઇસ્ટ, ભરથાણા ખાતે આવેલી ફેક્ટરી અને વેદાંત ટેક્સો, કોસાડગામ ખાતે આવેલું ગોડાઉન. શેડ નંબર 01/અ(2), બિલ્ડિંગ-સી, ઇવા ઇમ્બ્રો પાર્ક-02, કોસાડ ગામ: અહીં આવેલી ફેક્ટરી અને પાછળના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું તેનું ગોડાઉન.