ખેતરમાં જુગાર રમતા રાજકોટનાં બિલ્ડર સહિત 10 પકડાયા
જુનાગઢ જિલ્લાનાં વિસાવદર પંથકમાં હરિપુર ગીર ગામે રહેતા વજુ વિઠ્ઠલ શિંગાળાના ખેતરમાં હાઇપ્રોફાઇલ જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે સુઝબુઝ દાખવી રાજકોટના બિલ્ડર અને વેપારીઓ સહીત 10 જેટલા લોકોને પકડી લેવામાં આવ્યા હતા. જુગારીઓ પાસેથી 8.20 લાખની મોટી રોકડ મળી આવી હતી. તેમજ 26.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ જુગાર કેટલા સમયથી ચાલતો હતો એ અંગે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વિસાવદર પંથકમાં ખેતરના મકાને જુગાર રમી રહેલા 10 શખ્સને ક્રાઈમ બ્રાન્ચે 8,20,800ની રોકડ સાથે ઝડપી લઇ 2 વાહન, 10 મોબાઇલ સહિત 26,32,800નો મુદ્દામાલ કબજે લીધો હતો. વિસાવદર તાલુકાના હરીપુર ગીર ગામે રહેતો વજુ વિઠ્ઠલ શિંગાળા પોતાના ખેતરના મકાનમાં જુગાર ધામ ચલાવતો હોવાની માહિતી મળતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે. જે. પટેલની ટીમે ખેતર માલીક વજુ વિઠ્ઠલ તેમજ ઉપલેટાનો જેન્તી રામજી ડોબરીયા, રાજકોટના રણછોડ વાળી વિસ્તારનો મધુભા પથુભા જાડેજા, અમરેલી જિલ્લાના શીવડ ગામનો રામકુ દેવાયત ખવડ, રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે રહેતો અરવિંદ વશરામ ફળદુ, રાજકોટના માખાવડ ગામનો જીતેન્દ્ર મણિલાલ પટેલ, રાજકોટ 150 ફૂટ રીંગ રોડની બાજુમાં આવેલ કલ્યાણ સોસાયટીમાં રહેતો પ્રદ્યુમનસિંહ ભાવસિંહ ઝાલા, જમન કુરજી પ્રજાપતિ, રાજકોટ ધર્મનગરનો ભાવેશ રણછોડ ખાણદાર અને ઉપલેટાનો જીતેન્દ્ર છગન કપૂપરાને રૂૂપિયા 8,20, 800ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, 10 મોબાઇલ ફોન અને બે વાહન મળી કુલ રૂૂપિયા 26, 32, 800નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ સમગ્ર જુગાર કેટલા સમયથી ચાલતો હતો? તેમજ આ જુગારમાં અન્ય કોઇ સંડોવાયેલુ છે કે કેમ? તે અંગે વિસાવદર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.