કોટડા સાંગાણીના શિશક ગામના પોસ્ટ કર્મચારીના પુત્ર દ્વારા 10 લાખની છેતરપીંડી
કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામના એક ખેડુતને પોસ્ટલ વિમા યોજના હેઠળ રૂા.40 લાખ અપાવવાનું કહી શિશક પોસ્ટ ઓફીસના કર્મચારીના પુત્ર સહીત બે શખ્સોએ રૂા.10 લાખ પડાવી લીધાની કોટડા સાંગાણી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામે રહેતા અને ખેતી કરતા કેશવભાઇ પરસોતમભાઇ મારૂએ કોટડા સાંગાણી પોલીસ મથકમાં આપેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તેમના મિત્ર શિશક પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા ધીરૂભાઇ ભાલાળાની સલાહથી તા.10/8/2005માં પોસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સમાં રૂા.એક લાખનો વિમો ઉતાવ્યો હતો અને તેની પાકતી મુદત તા.10/8/2020 હતી. આ વિમાનું પ્રિમીયમ મેં રોકડાથી ચુકવણું કર્યું હતું. બાદમાં ધીરૂભાઇ ભાલાળાનું કોરોના કાળમાં અવસાન થતા મેં પોલીસીનું પ્રિમીયમ ભરવાનું બંધ કર્યું હતું. બાદમાં શિશક પોસ્ટ ઓફીસમાં તરૂણભાઇ પંચાસરા નોકરીએ આવ્યા હતા.
તરૂણભાઇ પંચાસરાના દિકરા ગૌરવ તરૂણભાઇ પંચાસરાએ શિશક પોસ્ટ ઓફીસમાં ઇન્સ્યોરન્સ અંગેની ખોટી અને વાહીયાત લોભામણી લાલચ આપી પોસ્ટ ઓફીસે બોલાવીને જણાવેલ કે તમારી પોલીસીમાં તમને રૂા.40 લાખ મળવા પાત્ર છે. તમારી પોલીસી ચાલુ છે અને તમે રોકડા રૂપીયા લઇને આવો એટલે પોલીસીમાં નાણા ભરીને તમે પોલીસીનો લાભ લઇ શકો છો. આમ તેણે લાલચ આપી રૂા.10 લાખ પડાવી લીધા હતા.
બાદમાં ગૌરવ તરૂણભાઇ પંચાયસરાએ કેશવભાઇને જણાવેલ કે તમારે મારી સાથે ગોંડલ તાલુકાના મોવીયા પોસ્ટ ઓફીસ અને ગોંડલ પોસ્ટ ઓફીસ તેમજ રાજકોટ પોસ્ટ ઓફીસે આવવું પડશે તેમ કહી ત્યાં લઇ ગયા હતા. જયાં તેમની પાસેથી કોરા ચેકમાં સહી કરાવી તથા કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી અને તેણે પોતાના નામના ચેક ભરી ગોંડલની બેંકમાંથી નાણા ઉપાડી લીધા હતા.
થોડા સમય બાદ ગૌરવ તરૂણભાઇ પંચાસરા શિશક ગામે આવતા કમલેશભાઇ મારૂના મિત્રને વાત કરતા તેણે કહેલ કે આ મોટું કૌભાંડ છે. ગામમાંથી ગૌરવ પંચાસરા અને તેના મિત્રોએ ખેડુતોની મહેનતના રૂા.એક કરોડથી વધુ પડાવી લીધા છે. ગૌરવ તરૂણભાઇ પંચાસરા પાસે રૂપીયા પરત માંગ્યા હતા ત્યારે વારંવાર બહાના બતાવેલ અને ઉડાઉ જવાબ આપ્યો હતો. જેથી ગૌરવ પંચાસરા તથા તેના મળતીયાઓ સામે ફરીયાદ નોંધાવી હતી.