ઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુંદ્રા આવેલો 10 કિલો ગાંજો પકડાયો
ત્રણ દિવસ અગાઉ આવેલું પાર્સલ કોઇ લેવા ન આવતા એસઓજીને હાથ લાગ્યો
મુન્દ્રાની ડીલીવરી લીમીટેડ નામની કુરિયર ઓફિસમાં ત્રણેક દિવસ અગાઉ આવેલા પાર્સલમાંથી રૂૂપિયા 1 લાખની કિંમતનો 10 કિલો ગાંજો મળી આવ્યો છે.ઓરિસ્સાની હોટલના નામથી મોકલાયેલો જથ્થો કોઈ લેવા આવે તે પહેલા એસઓજીએ ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમ એનડીપીએસની બદીને નાબુદ કરવા કાર્યરત હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,મુન્દ્રાના ઉમિયાનગરમાં આવેલ ડીલીવરી લીમીટેડ નામની કુરિયર ઓફિસમાં એક પાર્સલ આવેલો છે જેમાં ગાંજાનો જથ્થો ભરેલો છે.જે હાલ કુરિયર ઓફિસમાં જ પડી રહેલો છે.બાતમીને આધારે ટીમ સ્થળ પર પહોચી હતી.જે બાદ તપાસ કરતા એક પાર્સલ મળી આવ્યો હતો.જેમાં દસ અલગ અલગ પેકેટમાં રાખેલ રૂૂપિયા 1,01,490 ની કિંમતનો 10.149 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
સમગ્ર મામલે પીઆઈ કે.એમ.ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,છેલ્લા ત્રણેક દિવસ પહેલા પાર્સલ આવેલો હતો.ઓરિસ્સાની એસ.એ.કિંગ પ્લાઝા નામની હોટલના નામથી અજાણ્યા વ્યક્તિએ ગાંજો મોકલાવેલો છે.અને જથ્થો મંગાવનાર પણ અજાણ્યો વ્યક્તિ છે.હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી મુન્દ્રા પોલીસ મથકે ગાંજો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.