બે સેલ્સમેનને આંતરી 1.50 કરોડના સોના-ચાંદીની લૂંટ
અમદાવાદની સોની પેઢીના બે સેલ્સમેન દાગીના વેચવા બાંટવા ગયા હતા, કારમાં પંકચર પડ્યું અને ત્રણ લૂંટારુઓ દાગીના અને રોકડ લૂંટી ગયા
જૂનાગઢ-પોરબંદર હાઈવે પર બાંટવાના પાજોદ ગામ નજીક અમદાવાદની સોની વેપારીની પેઢીના બે સેલ્સમેનને આંતરી ત્રણ લુંટારુઓ અઢી કીલો સોનું, પાંચ કિલો ચાંદી અને રોકડ મળી દોઢ કરોડની મત્તા લૂંટીને ફરાર થઈ જતાં આ મામલે જૂનાગઢ પોલીસે સૌરાષ્ટ્રભરમાં નાકાબંધી કરાવી છે. અમદાવાદની સોની પેઢીને બે સેલ્સમેન બાંટવા અને જૂનાગઢ સોનાના દાગીના વહેંચવા આવ્યા હતા અને પરત જતા હતા ત્યારે બાંટવા પાસે રફાળિયા ફાટક નજીક તેમની કારમાં પંચર પડતા કાર ઉભી રાખી હતી ત્યારે જ ત્રણ લુંટારુઓએ આ બે સેલ્સમેનને નિશાન બનાવી છરીની અણીંએ લુટ ચલાવી હતી.
આ લુંટના બનાવની જાણ થતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તેમજ એસઓજી, ક્રાઈમ બ્રાંચ અને બાંટવા પોલીસ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત બન્ને સેલ્સમેનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. કુતિયાણા તરફથી આવતા અમદાવાદની કલાગોલ્ડ પેઢીના બે સેલ્સમેન ધનરાજ તથા યાજ્ઞિક પોતાની ફોર વ્હીલ નં. જીજે-1-ડબલ્યુકે-3919 લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાટવા-કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઊભા હતા. ત્યારે અચાનક જ બાઈક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂૂ કરી હતી. ત્યારે જોતજોતામાં અચાનક જ બે અન્ય ઈસમો આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનુ, પાંચ કિલો ચાંદી અને 2.50 લાખ રોકડ અને સેલ્સમેના મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા.
આ મામલે ડીવાયએસપી બીસી ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમદાવાદના બે સેલ્સમેન કુતિયાણાથી સોમનાથ તરફ જતા હતા, ત્યારે પાજોદ બાટવા રોડ તરફ પહોંચતા એક લૂંટની ઘટના બની હતી. અમદાવાદ સોની વેપારીને ત્યાં સેલ્સમેનનું કામ કરતા યાગ્નિક જોશી અને ધનરાજએ જણાવ્યું હતું કે, આ બંને સોનાના દાગીના લઈ બાંટવાની સોની બજારમાં વહેંચવા ગયા હતાં. પરંતુ બાંટવાના વેપારીઓ માટે તેઓ અજાણ્યા હોય કોઈએ દાગીનાની ખરીદી કરી ન હતીં જેથી તેઓ પરત જતા હતા ત્યારે ત્રણ લુંટારુઓએ છરીની અણીએ અઢી કિલો સોનુ, 5 ચાંદી અને રોકડ અઢી લાખ રૂૂપિયા લઇ ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સેલ્સમેને જણાવ્યા મુજબ બાંટવા પોલીસે ત્રણ અજાણ્યા ઇસમો વૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બાવળની ઝાડીમાંથી મળેલા મોબાઈલ ઉપર તપાસ કેન્દ્રિત
આ સમગ્ર ઘટનાની જાણ જુનાગઢ એસપી એસપી હર્ષદ મહેતાને થતા લોકલ ક્રાઇમ,બ્રાન્ચ, એસઓજી સહિતનો કાફલો પહોંચ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી ત્યારે પોલીસે આ લૂંટારોઓને પકડવા નાકાબંધી કરી ત્યારે પોલીસને તપાસ કરતા બાવળના ઝાડી-ઝાંખરામાંથી મોબાઈલ મળી આવ્યા હતા. હાલ પોલીસે મોબાઈલના આધારે આ લૂંટારુંઓ કઈ દિશામાં ફરાર થયા છે. એ દિશામાં તપાસ હાથ ધરી છે.