For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા શહેરમાં દૂષિત પાણીનું થતું વિતરણ: લોકોમાં ચિંતા

11:00 AM May 16, 2024 IST | Bhumika
ખંભાળિયા શહેરમાં દૂષિત પાણીનું થતું વિતરણ  લોકોમાં ચિંતા
  • ડેડ વોટર લેવલ તેમજ પવનના કારણે પાણીમાં ડહોળાશ: નગરપાલિકા -
ખંભાળિયા શહેરમાં આજરોજ નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવેલું પાણી ડહોળું તેમજ દુર્ગંધયુક્ત હોવા અંગેની ફરિયાદો નગરજનોમાં ઊઠવા પામી છે. જોકે હાલ તળિયા ઝાટક રહેલા ઘી ડેમ તેમજ તેજ પવનના કારણે પાણીમાં ડહોળાશ હોવા અંગેનો ખુલાસો પાલિકા તંત્રએ કર્યો હતો.  ખંભાળિયા શહેરમાં ઘી ડેમ મારફતે સંગ્રહિત થયેલું પાણી નળ વાટે વિતરણ કરવામાં આવે છે. ત્યારે આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલો પાણી પુરવઠો ડહોળાશભર્યો તેમજ દુર્ગંધયુક્ત હોવા અંગેની ફરિયાદો નગરજનોમાંથી ઉઠી હતી. લોકોએ પાણી ભરેલી ડોલમાં તળિયું પણ ન જોઈ શકાય તેવી ડહોળાશ આજના પાણીમાં જોવા મળી હતી. આટલું જ નહીં, આ પાણીમાં ફીણ તેમજ કેટલાક સ્થળોએ દુર્ગંધ હોવા અંગેની ફરિયાદો પણ લોકોએ કરી હતી.  આ અંગે નગરપાલિકાના ઇજનેર એન.આર. નંદાણીયાએ જણાવ્યું હતું કે હાલ ઘી ડેમમાં ડેડ વોટર લેવલ સુધીનું જ પાણી બચ્યું છે. જેમાં એક થી દોઢ માસ ચાલે જેટલું ચાલે તેટલો પુરવઠો છે. હાલ તેજ પવન હોવાના કારણે આ પાણીમાં ડહોળાશ વધી જાય છે. નગરપાલિકા તંત્ર દ્વારા હાલ ક્લોરીનેશનનું પ્રમાણ પણ વધારી દેવામાં આવ્યું છે અને આ પાણીથી લોકોના સ્વાસ્થ્યને હાની ન પહોંચે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરને નર્મદાના નીર મળે તે માટે પણ નગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ શ્રી નંદાણીયાએ વધુમાં ઉમેર્યું હતું.   હાલ દૂષિત જેવા આ પાણીથી લોકોની ચિંતામાં પણ વધારો થયો છે.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement