જુનાગઢમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મિનિકુંભની પૂર્ણાહુતિ
- મોડીરાત્રે રવાડી નિહાળવા ભારેભીડ ઊમટી, ચાર દિવસમાં વીસ લાખ લોકોએ બાંધ્યું પુણ્યનું ભાથું
જૂનાગઢનાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે અંદાજે આઠેક લાખ લોકો ઉમટી પડયા હતા. આજે બપોરબાદ બેરીકેડ બંધાયા ત્યાં જ લોકો તડકામાં જ બેસી ગયા હતા અને રાત્રીના ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે યોજાઈ હતી. ત્યારબાદ રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. જ્યાં સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. સાધુ-સંતોના સ્નાન સાથે ચાર દિવસથી ચાલતો મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો હતો અને મોડીરાત સુધી લોકોનો પ્રવાહ તળેટીથી શહેર તરફ વહેતો રહ્યો હતો.ચાર દિવસના આ મિનિકુંભમાં અંદાજે 20 લાખ લોકોએ પુણ્યનું ભાથુ બાંધ્યુ હતું.
જૂનાગઢનાં ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે આજે પણ સવારથી ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચી મહાદેવના મંદિરે દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન-પ્રસાદ તેમજ મહાશિવરાત્રિ નિમિતે જેણે ઉપવાસ કર્યો હતો તેઓએ ફરાળ ગ્રહણ કર્યું હતું. આજે શિવરાત્રી હોવાથી ભવનાથ મંદિરે મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આશ્રમો તેમજ જગ્યાઓમાં ભાંગની પ્રસાદી આપવામાં આવી હતી.
આજે ભારે ભીડના લીધે ભરડાવાવ ખાતેથી જ વાહનોને પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી અને લોકો ગિરનાર દરવાજાથી પગપાળા તળેટીમાં પહોંચ્યા હતા. બપોરે રવેડીના રૂૂટ પર બેરીકેડ બાંધવામાં આવ્યા હતા. ત્યારે રવેડી નિહાળવા લોકો તડકામાં બેરીકેડ આસપાસ બેસી ગયા હતા અને કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યા હતા.
રાત્રીના શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો. જેમાં જુના અખાડાના આરાધ્યદેવ દત્તાત્રેય ભગવાન, આવાહન અખાડાના શ્રી ગણેશજી અને અગ્નિ અખાડાના આરાધ્યદેવ શ્રી ગાયત્રીમાતાજીની પાલખી જોડાઈ હતી. આ ઉપરાંત મહામંડલેશ્વરો તેમજ અન્ય અખાડાના સાધુ-સંતો તેમજ દિગમ્બર સાધુઓ રવેડીમાં જોડાયા હતા. વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. રવેડી જુના અખાડા ખાતેથી શરૂૂ થઈ મંગલનાથજી આશ્રમ પાસે થઈ દતચોક અને ત્યાંથી ઇન્દ્રભારતીબાપુના ગેટ પાસે થઈને પાછળના રોડ થઈ પરત ભારતી આશ્રમ પાસે થઈને મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી અને ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ-સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું અને ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. આ સાથે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.