For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પિતાજીની સંવેદનાની સરવાણીનો અણસાર: સુનીતા ઇજ્જતકુમાર

01:16 PM Jun 05, 2024 IST | Bhumika
પિતાજીની સંવેદનાની સરવાણીનો અણસાર  સુનીતા ઇજ્જતકુમાર
Advertisement

સુનીતાબહેને લાઇફ ઇન્સ્યોરન્સની લાખ રૂપિયા પગારની નોકરી 11 વર્ષ વહેલી છોડી કરોડ રૂપિયાની કલમની આંગળી પકડી

મને મારી જાત બહુ વ્હાલી છે. મારા પિતા કહેતા કે જે જાતને ચાહી શકે તે સમષ્ટિને ચાહી શકે. માઠી પરિસ્થિતિને મઘમઘતી બનાવી દેવી તે મારો શોખ છે.હું સતત મારી જાત ઉપર ચાંપતી નજર રાખું છું ને સતત મારામાં કંઇક શોધતી રહું છું. મારી આ શોધ જ મને સભર બનાવી રહી છે.હું કથની અને કરણી જુદી નથી રાખતી.મારા બાળક સાથે જેમ જોડાયેલ હોવુ છું એ જ રીતે એકદમ પવિત્ર ભાવે સૌ સાથે જોડાવ છું અને સૌને ખરા દિલથી ચાહું છું. કદાચ એટલે જ રાવણને રામ બનાવતા પણ મને ફાવે છે. આ શબ્દો છે ભાવનગરના મૂર્ધન્ય સાહિત્યકાર,લઘુકથાકાર ઇજ્જતકુમાર ત્રિવેદીના સાહિત્યના વારસદાર દીકરી સુનીતાબહેન ત્રિવેદીના.પિતાના સર્જનનો વારસો તેઓ પામ્યા છે એટલું જ નહિ પિતાજીના વારસાને તેઓએ જાળવ્યો અને ઉજાળ્યો પણ છે.
સૌરાષ્ટ્રની મધુમતીનગરી એવા મહુવામાં જન્મ અને ભાવનગરમાં અભ્યાસ કર્યો.

Advertisement

માતા ઉષાબેન ત્રિવેદી અને પિતા ઇજ્જતકુમાર ત્રિવેદી.પરિવાર પર સરસ્વતી દેવીના ચાર હાથ હતા પણ લક્ષ્મીજી જાણે નારાજ હતા.તેઓના પિતાજીનું બાળપણ અસાધારણ ગરીબીમાં પસાર થયું એટલે જ એમણે પોતાના બાળકોને ખૂબ લાડથી ઉછેર્યા. ઈજ્જતકુમાર ત્રિવેદીનું નામ સાહિત્ય પ્રેમી માટે અજાણ નથી.ફક્ત સાહિત્યનો જ વારસો નહીં પરંતુ તેમનું મૂલ્ય નિષ્ઠ જીવન,કાગળ અને કલમ પ્રત્યે તેમની ઇમાનદારી અને સત્યને વરેલી જીવન પદ્ધતિનો વારસો પણ જાણે સુનીતાબહેને સંભાળ્યો.જે રીતે પિતાજીનો સંઘર્ષ તેઓએ ખૂબ નજીકથી જોયો છે એ જ રીતે વરિષ્ઠ સાહિત્યકારોમાં તેઓનો આદર પણ અનુભવ્યો છે અને એટલે જ જ્યારે ટૂંકી માંદગીમાં 2012માં પિતાએ વિદાય લીધી ત્યારે તેમના બાકી રહેલા પુસ્તકો પબ્લિશ કરવાનું બીડું સુનીતાબહેને ઉઠાવ્યું.પિતાજીના એક પછી એક ત્રણ પુસ્તકો છપાવ્યા પરંતુ તેની દરેક પ્રક્રિયાના અંતે તેઓની જાણ બહાર લેખિકા સુનીતા ઈજ્જતકુમારનો જન્મ થઈ ચૂક્યો હતો.

અભ્યાસની સાથે બેંકમાં અને ત્યાર બાદ એલ આઈ સીમાં સુનીતાબહેન સાથે નોકરી કરતા નિલેશ શાહે જીવનમાં પણ સાથ આપવાનો કોલ નિભાવ્યો અને સ્નેહ સંબંધ પતિ પત્નીના સંબંધમાં પરિણમ્યો.પાંચ ભાઈઓના બહોળા પરિવારજનોમાં દરેક વ્યક્તિને સુનીતાબહેને સ્નેહ સરવાણીથી ભીંજવ્યા છે.પિતાજીની વિદાય અને 2016માં માતાની વિદાય બાદ પતિ મજબૂત સપોર્ટ સિસ્ટમ બન્યા છે.

પિતાજીના પુસ્તકોના લખાણમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે આ કલમની અભિવ્યક્તિ તો પિતાજીએ જ આપેલ છે.અંતે લાઇફ ઇનસ્યોરન્સની લાખ રૂૂપિયા પગારની નોકરી 11 વર્ષ વહેલી છોડી કરોડ રૂૂપિયાની કલમની આંગળી પકડી લીધી.તેમના આ નિર્ણયમાં પતિ નિલેશભાઈ શાહનો મજબૂત સાથ મળ્યો અને સાહિત્યની આ સફર સફળતાની મંઝિલ સુધી પહોંચી.

તેઓનો લઘુકથા સંગ્રહ ‘અણસાર’ અને ચિંતન લેખ સંગ્રહો ‘સંવેદનાની સરવાણી’ અને ‘પ્રતિબિંબ’ પ્રગટ થયેલ છે. ટૂંક સમયમાં તેમના બીજા બે સંગ્રહો, લઘુકથા સંગ્રહ ‘શબરીનાં બોર’ અને ચિંતન લેખ સંગ્રહ ‘જીવન બેરખો’ પ્રગટ થનાર છે, ત્રણ ન્યુઝ પેપરમાં આવેલી કોલમ ‘તમે જ તમારું અજવાળું’, ‘માલણના કાંઠે’, ‘વિચારોની વાવણી’ અને ‘સંવેદનાની સરવાણી’ પણ લોકોએ માણી,વખાણી છે. તેઓના સાહિત્યિક કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડીયો પર પ્રસારિત થતા રહે છે. તેઓના વક્તવ્યો અનેક કલબ, કોલેજને સ્કૂલોમાં યોજાય છે તેમજ દેશ વિદેશમાં પણ એમનાં વક્તવ્યો ઝૂમ માધ્યમે યોજાતા રહે છે. તેમનું સાહિત્ય સર્જન હજુ પણ નવા મુકામ સર કરશે.આ બધા વચ્ચે પિતાજીની અને પોતાની લઘુકથા પરથી વેબસિરીઝ તથા ચલચિત્ર બનાવી સિનેજગતના નાના અને મોટા પડદે લઈ જવાનું સ્વપ્ન હૈયાના એક ખૂણામાં જાગતું પડ્યું છે. ઉપરાંત વાંચનનો વિસ્તાર વધારવા પિતાના સ્મરણાર્થે સ્વખર્ચે દર વર્ષે જુદાજુદા ગામ-શહેરમાં ઇજ્જતકુમાર ગ્રંથ કોર્નર (મિનિ પુસ્તકાલય) અર્પણ કરે છે.જેમાં અત્યાર સુધીમાં 12 પુસ્તકાલય અર્પણ કર્યા છે જેની સંખ્યા 108 સુધી પહોંચે તેવી ઈચ્છા અને આશા છે. સુનીતા ઈજ્જતકુમારને તેમના સ્વપ્ન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માણસને ચાહવા કેમ? તે બાળકને શીખવો
સુનીતાબહેનના સાસરામાં પાંચ ભાઈઓના પરિવારના 19 સભ્યો છે. નાના-મોટા દરેકને તેઓ પોતાના સ્નેહ વડે ભીંજવે છે ત્યારે તેઓ માતાઓને ખાસ સંદેશ આપે છે કે અત્યારે ડ્રોઈંગ ક્લાસ,કમ્પ્યુટર ક્લાસ, કરાટે ક્લાસ કે સિંગિંગ ક્લાસની બાળકોને જરૂૂર નથી. માણસને ચાહવા કેમ?સમજવા કેમ? તેનો કોઠો ઠરે એવું કઈ રીતે કરવું ?તે શીખવાડવાની જરૂૂર છે.

શબ્દોની સાધના બની સફળતાની સીડી
શબ્દોની સાધનાના ફળ સ્વરૂૂપે તેઓને અનેક એવોર્ડ મળ્યા છે
*સુનીતાબહેનને નારી શક્તિ એવોર્ડ-2015 અને નારી રત્ન એવોર્ડ - 2018માં પ્રાપ્ત થયેલ.
*બ્રહ્મક્રાંતિ સંઘ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું છે.

  • ગુજરાત સાહિત્ય સંગમ, ગાંધીનગર દ્વારા તેણીને પર્યાવરણ પ્રેરણા એવોર્ડ- 2020 થી સન્માનિત કરવામાં આવેલ.
  • હાલમાં જ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ કાઉન્સિલ, મુંબઈ દ્વારા સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશનથી સુનીતાબહેનને પોંખવામાં આવેલ છે.
  • written by: Bhavna Doshi
Advertisement
Tags :
Advertisement
Advertisement