STOCK MARKET / શેર માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 21250ને પાર
સ્થાનિક શેરમાર્કેટમાં રેકોર્ડ વૃદ્ધિનો સિલસિલો યથાવત છે. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે બીજી તરફ નિફ્ટી પણ 21,250ને પાર પહોંચ્યો છે. સવારે 9.44 કલાકે સેન્સેક્સ 165.40 (0.23%) પોઈન્ટના વધારા સાથે 70,701.76 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી 58.15 (0.27%) પોઈન્ટના વધારા સાથે 21,240.85 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
ગત રોજ ગુરુવારે ભારતીય શેરબજારોએ તેમની તેજીનો દોર ચાલુ રાખ્યો હતો અને યુએસ ફેડરલ રિઝર્વે નીતિગત દરો અંગે કઠોર વલણ અપનાવવાના સંકેત આપ્યા બાદ મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન બજારના લગભગ તમામ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી.
ગુરુવારના ટ્રેડિંગ સેશન પછી, સેન્સેક્સ 929.60 (1.33%) પોઈન્ટના વધારા સાથે 70,514.20 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 256.36 (1.23%) પોઈન્ટના વધારા સાથે 21,182.70 પર બંધ થયો હતો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સે 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો જ્યારે નિફ્ટી પણ 21200ને પાર કરવામાં સફળ રહ્યો હતો.