ડુંગળીના ભાવમાં કડાકો, 20 કિલોના ભાવ રૂા.300થી પણ નીચે બોલાયા
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા ડુંગળીના ભાવ 50 ટકાથી પણ વધુ તુટી ગયા છે અને રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીનાં 20 કિલોના ભાવ ઘટીને રૂા.300થી નીચે જતા રહેતા ખેડૂતો ભારે નિરાશા સાથે નિસાસા નાખતા જોવા મળ્યા હતા.
ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી સામે આંદોલનો કરી હરરાજી ખોરવી નાખી હતી અને રસ્તારોકો આંદોલનો પણ કર્યા હતા. આ સમયે ભાજપના નેતાઓ અને રાજ્યના પ્રધાનોએ નિકાસબંધી હટાળવા માટે સરકારમાં રજુઆત કરવાની ખાતરી આપતા આંદોલનો સમેટાયા હતા પરંતુ ત્યારબાદ ડુંગળીના ભાવો સતત તુટી રહ્યા છે અને આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂા.300થી પણ નીચે સરકી ગયા હતા. આજે સુકી ડુંગળીના ભાવ રૂા.80થી માંડી રૂા.290 સુધી જ બોલાતા ડુંગળી લાવનાર ખેડૂતોમાં ભારે નિરાશા સાથે નારાજગી જોવા મળી હતી.
રાજકોટની માફક ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની રૂા.100થી માંડી રૂા.300ના ભાવે હરરાજી થઇ હતી. હાલ ડુંગળીની સ્ચક્કાર સીજન ચાલી રહી છે. અને ડુંગળી લાંબો સમય સાચવી રાખે તો બગડી જાય તેમ હોય તેમજ મોટાભાગના ખેડૂતો પાસે ડુંગળી સાચવી શકાય તેવી વ્યવસ્થાનો અભાવ હોવાથી ખેડૂતોને મજબુરીવશ સસ્તા ભાવે ડુંગળી વેંચવી પડી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના દોઢ લાખ કટ્ટાની આવક થઇ હતી અને ડુંગળી ભરેલા વાહનોની ચાર કિ.મી લાઇન લાગી હતી.
પરંતુ હરરાજી દરમિયાન રૂા.300થી પણ ઓછા ભાવો મળતા ખેડૂતો ભારે નિરાશ થયા હતા. ખેડૂતોમાં ડુંગળીના ભાવો બાબતે ભાજપ સરકાર સામે ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવો હજુ પણ તુટે તેવી શકયતા હોય, ખેડૂતોની માઠી દશા બેઠી છે.