રામમંદિર પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ભેટ આપવા તૈયારી
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સામાન્ય જનતાને મોટી રાહત આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 8 થી 10 રૂૂપિયા સુધીનો મોટો ઘટાડો જાહેર કરી શકે છે.
સમાચાર આવી રહ્યા છે કે કેલેન્ડર વર્ષના અંત પહેલા જ આની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે વડા પ્રધાનની મંજૂરી માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં બંને ઇંધણમાં પ્રતિ લિટર 8 થી 10 રૂૂપિયાનો ઘટાડો કરવાનો સમાવેશ થાય છે જે ટૂંક સમયમાં પસાર થઈ શકે છે.
6 એપ્રિલ, 2022થી સરકારી ઓઈલ કંપનીઓ તરફથી ઈંધણની પ્રી-રિફાઈનરી કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાલુ નાણાકીય વર્ષમાં, ક્રૂડ ઓઈલના નીચા ભાવને કારણે ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ (LOC), ભારત પેટ્રોલિયમ કોર્પ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ (HPCL) માટે ભારે નફો થયો છે. આ સાથે આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં LOC, BPCL અને HPCLએ સંયુક્ત રીતે રૂૂપિયા 58,198 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
ઓઈલ કંપનીઓ દરરોજ સમીક્ષા કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા-ઘટાતા રહે છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 78.71 ડોલર થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય પાસે તેલની કિંમતો ઘટાડવાની બ્લુપ્રિન્ટ તૈયાર છે અને માત્ર વડાપ્રધાન કાર્યાલયની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. જો કે, સરકાર આ રાહત ક્યારે આપશે તે અંગે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે ચાલુ વર્ષે એટલે કે થોડા દિવસોમાં અથવા નવા વર્ષની શરૂઆતમાં જનતાને પેટ્રોલના અને ડીઝલ ભાવમાં ઘટાડો જોવા મળશે.
હકીકતમાં, મંત્રાલયે દલીલ કરી છે કે આયાતી ક્રૂડ ઓઈલની ખરીદ કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ક્રૂડ ઓઈલને પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ સરેરાશ 77.14 છે, જેમાં માત્ર બે મહિનામાં જ વધારો જોવા મળ્યો છે - સપ્ટેમ્બરમાં 93.54 અને ઓક્ટોબરમાં 90.08. 2022-23માં કાચા તેલની સરેરાશ કિંમત 93.15 પ્રતિ બેરલ હતી.