ભારતીય શેરબજાર સર્વોચ્ચ સપાટીએ, સેન્સેક્સ 70 હજાર, નિફ્ટી 21 હજારને પાર
ભારતીય શેરબજારે તેજીના વાયરા વચ્ચે આજે નવી ઉંચાઈને સ્પર્શ કર્યો છે. સેન્સેક્સે 70 હજારની અને નિફ્ટીએ 21 હજારની સપાટી પાર કરી નવો હાઈ બનાવતા શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને દલાલ સ્ટ્રીટમાં નવા રેકોર્ડની ઉજવણી કરવામા આવી હતી. સેન્સેક્સ ગત શુક્રવારે 69.825ના સ્તરે બંધ થયા બાદ આજે સવારે 100 અંકના વધારા સાથે ખુલ્યો હતો. અને ત્યાર બાદ પ્રારંભીક કારોબારમાં જ 233 પોઈન્ટ વધી 70 હજારની સપાટી ક્રોસ કરી હતી અને 70,048નો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટી ગત શુક્રવારે 20.969ના સ્તરે બંધ થયા બાદ આજે સવારે ચાર અંક ઘટી 2096ના સ્તરે ખુલી હતી
પરંતુ ત્યાર બાદ પ્રારંભીક કારોબારમાં જ 50 પોઈન્ટ વધીને 21.019નો નવો હાઈ બનાવ્યો હતો.
જો કે, પ્રારંભીક કારોબારમાં સેન્સેક્સ-નિફ્ટીએ નવા હાઈ બનાવ્યા બાદ થોડું કરેક્શન આવતા સેન્સેક્સ 70 હજાર અને નિફ્ટી 21 હજાર અંકની સપાટીની નીચે સરકી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોની ચુંટણી પરિણામોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકારો રચાતા શેરબજારમાં નવી તેજીનો પ્રારંભ થયો છે.