દેશમાં 2024માં FDIમાં તેજીની શક્યતા, જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં વચ્ચે 49 બિલિયન ડોલરનું રોકાણ
ભારતમાં 2024માં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં તેજી આવવાની શક્યતા છે. બહેતર મેક્રો ઇકોનોમિક ડેટા અને આકર્ષક PLI સ્કીમ સાથે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો વધુ વિદેશી કંપનીઓને ભારતમાં આકર્ષિત કરશે. ઘણા દેશો વચ્ચેના તણાવ અને અવરોધો સાથે વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં કઠોરતા વચ્ચે ભારત રોકાણ માટે પસંદગીનું સ્થળ છે.
જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં FDI રકમ ઘટીને 48.98 પર પહોંચી
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સેક્રેટરી રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, સરકાર FDI નીતિની સતત સમીક્ષા કરે છે અને સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવે છે. આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન દેશમાં FDIની રકમ 22 % ઘટીને 48.98 બિલિયન ડોલર થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો 62.66 અબજ ડોલર હતો. સિંહે જણાવ્યું હતું કે 2014-23ના સમયગાળામાં FDI લગભગ 596 બિલિયન ડોલર રહ્યું છે, જે 2005-14 કરતાં લગભગ બમણું છે.
તેમણે જણાવ્યું હતું કે, આ વલણો હકારાત્મક છે અને ભારત હજુ પણ વિદેશી કંપનીઓ માટે પસંદગીનું સ્થળ છે. સિંઘે જણાવ્યું હતું કે ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને મેડિકલ ડિવાઈસ જેવા ક્ષેત્રો માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાઓને કારણે ઘણા સેક્ટરમાં FDI વધ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષે FDIમાં ઘટાડાનું એક કારણ સિંગાપોર, અમેરિકા અને બ્રિટનના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દરમાં વેગ હોઈ શકે છે, કારણ કે આ દેશો ભારતમાં એફડીઆઈના મુખ્ય સ્ત્રોત છે.