For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયર NOC-BUની નવી SOP ન આવે ત્યાં સુધી સીલિંગને બ્રેક

05:23 PM Jun 11, 2024 IST | admin
ફાયર noc buની નવી sop ન આવે ત્યાં સુધી સીલિંગને બ્રેક

શાળાઓ ફાયર એનઓસી અને બીયુ પરમિશનની કામગીરીને અગ્રતા, સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડે પછી બીજી કાર્યવાહી: મ્યુનિસિપલ કમિશનર

Advertisement

મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસીની સાથો સાથ બાંધકામ પરમીશન અંતર્ગત ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં અનેક શાળાઓ અને પ્લેહાઉસો સીલ કરી દેવામાં આવ્યા છે. જેથી વાલીઓ અને પ્લેહાઉસ સંચાલકોમાં હોબાળો બોલી ગયો છે. અને એક બે દિવસથી મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રી-સ્કૂલ એસોસીએશન સહિતના વિવિધ મંડળોએ રજૂઆત કરીને બીયુ પરમીશન મેળવવામાં સમય રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. જે અંગે મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લઈ રહેણાકના મકાનમાં ચાલતા પ્લેહાઉસો શાળાઆ સહિતના યુનિટોને સીલીંગમાં થોડો સમય રાહત આપવામાં આવી છે. પરંતુ આ રાહત જ્યાં સુધી સરકાર દ્વારા આ અંગેની ગાઈડલાઈન બહાર પાડવામાં ન આવે ત્યાં સુધીની રહેશે.
બે દિવસ પછી તા. 13થી ગુજરાત બોર્ડનું વેકેશન ખુલતુ હોવાથી શાળા સંચાલકો સ્કૂલ ચાલુ કરવી કે કેમ તે બાબતે અવઢવમાં હતાં. આ ઉપરાંત અલગ અલગ કિસ્સાઓમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન મુદ્દે પણ રજૂઆતો મળી હતી. જેમ કે, ફાયર એનઓસી હોય પરંતુ બીયુ પરમીશન ના હોય, ફાયર એનઓસી હોય અને ઈમ્પેક્ટ ફી ભરેલી હોય તથા ફાયર એનઓસી રિન્યુ ન થઈ હોય અને બીયુ પરમીશન હોય તેવા કિસ્સામાં સીલીંગ કરાયું હોય તો અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી એકમનો વપરાશ ચાલુ કરવો કે કેમ? આ મુદ્દે કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા આજે મીડિયા વાતચીતમાં જણાવાયું હતું કે, અમને અલગ
અલગ મુદ્દાઓને લઈને સીલીંગ બાબતે ઘણી રજૂઆતો મળી છે અમે સીલ કરેલા એકમોમાં નિયમોનું પાલન કરવા માટે 200થી 225 જેટલા સીલ પણ ખોલી આપ્યા છે. આ સીલ ફક્ત અંદર ગેરકાયદે બાંધ કામ કે ફાયર એનઓસી માટે જરૂરી સાધનો લગાવવા માટે ખોલી અપાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ બાબતે રજૂઆતો મળી છે અને અમે પણ સરકાર સાથે સંપર્કમાં છીએ. સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરીને અલગ અલગ કિસ્સાઓમાં કેવી રીતે ફાયર એનઓસી અને બીયુ પરમીશન મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે તેની ગાઈડલાઈન એક-બે દિવસમાં જ બહાર પાડવામાં આવશે. આ ગાઈડલાઈન આવતા જ તમામ લોકોને ફાયર એનઓસી અને બીયુ પરમીશન બાબતેના તમામ મુદ્દાઓની સ્પષ્ટતા થઈ જશે. હાલ ગાઈડલાઈનની રાહ જોઈને એક-બે દિવસ પૂરતું સીલીંગ અટકાવી દેવામાં આવ્યું છે.

ફાયર NOC રિન્યુમાં રાહત, જૂના નિયમો લાગુ

Advertisement

મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એનઓસી રિન્યુ ન થઈ હોય તેવા એકમો પણ સીલ કરાયા હોય આ એકમો પૈકી અમુક એકમોમાં નવા નિયમોની અમલવારી અશક્ય બનતા મહાનગરપાલિકાએ જૂના નીયમો મુજબ 500 ચો.ફૂટ બાંધકામ અને ડબલ સીડી સહિતના જૂના નિયમો મુજબ રિન્યુની કામગીરી એફએસઓ દ્વારા શરૂ કરાવતા અનેક એકમોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી મુદ્દે આજરોજ અધિકારીઓ સાથે બેઠક યોજી ફાયર એનઓસી રિન્યુ માટે જૂના નિયમો લાગુ થશે તેમ જણાવ્યું હતું. ફાયર સુત્રોના જણાવ્યા મુજબ ફાયર એનઓસી રિન્યુ માટે અગાઉ કરવામાં આવેલા નિયમો હેઠળ કાર્યવાહી હાથ ધરાશે. અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મુદ્દે નવો પરિપત્ર જાહેર કર્યો છે. જે ફક્ત નવી ફાયર એનઓસીમાં લાગુ પડશે. તેમ જણાવ્યું હતું તેમજ જૂની ફાયર એનઓસી રિન્યુ કરવા માટે હવે જે તે સમયે એનઓસી મેળવી હશે ત્યારે સ્થળ તપાસ દરમિયાન જે ફાયર સેફ્ટીના સાધનો હશે તેનું એફએસઓ પાસે વેરીફીકેશન કરાવી તેના રિપોર્ટના આધારે ફાયર એનઓસી રિન્યુ થઈ શકશે અન્યથા હાલના નવા નિયમો મુજબના એક પણ ડોક્યુમેન્ટ વધારાના રજૂ કરવા પડશે નહીં. એફએસઓ દ્વારા હાલ તમામ ફાયર એનઓસી રિન્યુની કામગીરી જે તે સમયે એનઓસી કઢાવેલ છે. તે નિયમો હેઠળ શરૂ કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા નવી સુચના ન આપવામાં આવે ત્યાં સુધી જૂના નિયમો મુજબ ફાયર એનઓસી રિન્યુ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આથી ફાયર એનઓસી રિન્યુ ન હોય અને મિલ્કત સીલ થઈ હોય તેવા આસામીઓએ ફાયર એનઓસી રિન્યુ માટે ઓનલાઈન અરજી કરવાની સૂચના આપવામા આવી છે તેમજ એફએસઓનો સંપર્ક કરી તેમના દ્વારા સ્થળ વેરીફીકેશન સહિતની કામગીરી કરાવી લેવાની પણ સુચના અપાઈ છે.
ફાયર વિભાગમાંથી જાણવા મળેલ વિગત મુજબ હાલમાં રિન્યુ માટેની મોટાભાગની અરજીઓ ઓનલાઈન કરવામાં આવી છે. જેના સીલ ખોલવાની પણ કામગીરી ટુંક સમયમાં શરૂ કરાશે. જેમાં ખાસ કરીને શાળાના વેકેશનો ખુલવાના હોવાથી શાળા સંચાલકોએ ફાયર એનઓસી રિન્યુ માટે કરેલી અરજીનો નિકાલ તુરંત કરવામાં આવશે. આથી તાજેતરમાં સીલ થયેલા એકમોના સંચાલકોએ પણ ફાયર એનઓસી રિન્યુ માટેની તાત્કાલીક ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement