મનપાના 17 હોલના બુકિંગ રદ, અનેકના પ્રસંગો રઝળ્યા
1 ઓગસ્ટથી ત્રણ માસ માટે ફાયરના સાધનો ફીટ કરવા તમામ કોમ્યુનિટી હોલ બંધ કરાશે
ટીઆરપી અગ્નિકાંડમાં 15થી વધુ દોષિતો સામે તપાસ ચાલુ છે. જેના લીધે કોર્પોરેશનની વહીવટી કામગીરી ખોરંભે ચડી છે. જ્યારે બીજી બાજુ અગ્નિકાંડના કારણે શહેરના અનેક નિર્દોષ પરિવારોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કારણે કે, ફાયર એનઓસી અને બીયુ મુદ્દે મનપાએ ઝુંબેશ શરૂ કરતા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ પણ ઝપટમાં આવી ગયા છે. જેથી તમામ હોલમાં ફાયરના સાધનો ફીટ કરવા માટે ત્રણ માસ બંધ કરવાનો નિર્ણય લેવાતા અગાઉ પ્રસંગો માટે બુકિંગ થયેલા તે તમામ પરિવારોના બુકિંગ રદ કરાતા અનેકના પ્રસંગો રઝડી પડ્યા છે. અને આ મુદદ્દે શહેરભરમાં ભારે દેકારો બોલી ગયાનું જાણવા મળેલ છે.
ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન મુદ્દે તડાપીટ બોલાવી અનેક એકમો સીલ કરી દીધા હતાં. જેમાં સાથો સાથ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પણ ફાયર એનઓસી અને જરૂરી સાધનો ન હોવાના કારણે હોલ સીલ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં તાત્કાલીક ધોરણે તમામ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેનો સમય પૂર્ણ થતા હવે 1 ઓગસ્ટથી 17 કોમ્યુનિટી હોલ 3 માસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અને આ ત્રણ માસ દરમિયાન પ્રસંગો માટે થતાં બુકિંગો પણ બંધ કરવામાં આવ્યા છે. ફક્ત અમૃત ઘાયલ કોમયુનિટી હોલ અને અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી હોવાથી તે ચાલુ રાખવામાં આવશે. મનપાએ તેના તમામ 17 કોમ્યુનિટી હોલ 3 માસ માટે બંધ કરવાનો નિર્ણય લેતા અનેક પરિવારોના પ્રસંગો રઝડી પડ્યા છે. કારણ કે, નિયમ મુજબ કોઈ પણ પરિવારે પ્રસંગ માટે 90 દિવસ પહેલા હોલ બુક કરાવવો પડે છે. આથી અગાઉના ત્રણ માસ પહેલા ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ માટે પ્રસંગોના બુકીંગ કરાવેલ છે. તે તમામ રદ કરવાનો પણ નિર્ણય લેવાતા બુકિંગ કરાવેલ હોય તેવા પરિવારો હવે પોતાના પ્રસંગો માટે જગ્યા શોધવા માટે દોડા દોડી કરવા લાગ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા 19 હોલ અને અમુક હોલના ડબલ યુનિટો દરેક પ્રકારના પ્રસંગો માટે નજીવા દરેથી ભાડે આપવામાં આવે છે. જેમાં ચૂંટણી વખતે સ્ટાફને લગ્ન હોલ ફાળવવામાં આવે ત્યારે પણ અનેક પરિવારો પરેશાન થતાં હોય છે. ત્યાર બાદ બાકીના વરસોમાં લોકોને લગ્નહોલ ભાડે રાખવામાં સરળતા રહેતી હોય છે. પરંતુ ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ સર્ટી મુદ્દે કાર્યાહી કરવામાં આવી રહી છે. જેમાં મનપાના તમામ લગ્નહોલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રસંગો દરમિયાન આગની દુર્ઘટના સમયે ઈમરજન્સી રાહત બચાવની કામગીરી થઈ શકે તે માટે તમામ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે ટેન્ડર કરવામાં આવ્યા છે. અંદાજે રૂપિયા 1 કરોડથી વધુના સાધનોની ખરીદી કરવામાં આવશે. ત્યાર બાદ 17 હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે વધુ સમય લાગતો હોય અંદાજે 3 માસ માટે તમામ હોલના બુકિંગ બંધ કરી કામ શરૂ કરવામાં આવનાર છે. તેની સામે ત્રણ માસ પહેલા બુકીંગ કરાવેલ છે. તેવા પરિવારોના લગ્નની તારીખ નજીક આવતા તેઓએ પોતાના સંતાનોના પ્રસંગો અથવા અન્ય પ્રસંગો માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. તેવા ટાણે જ મનપાએ 1 ઓગસ્ટથી તમામ હોલ બંધ કરી હવે આ હોલમાં એક પણ પ્રસંગ યોજી શકાશે નહીં તેમ જણાવતા આપરિવારો હાફળા ફાફળા થઈ ઉઠ્યા છે.
મહાનગરપાલિકા પોતાના તમામ 17 કોમ્યુનિટી હોલ ત્રણ માસ માટે બંધ કરશે તેના લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેઓએ અગાઉ બુકિંગ કરેલા છે. તેમના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા બુકીંગ કરાવેલ છે. અને તારીખ નજીક આવતા મહાનગરપાલિકા ફાયર એનઓસીના નામે કોમ્યુનિટી હોલ બંધ કરશે. ત્યારે પાર્ટીપ્લોટ તેમજ અન્ય પ્રાયવેટ લગ્નહોલના પણ સિઝનલ બુકિંગ હાઉસફૂલ થઈ ગયેલ હોય કોઈ જગ્યા ખાલી ન હોવાથી અમારા સંતાનોના પ્રસંગો પાછા ઠેલવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મહાનગરપાલિકાએ બુકિંગ થઈ ગયેલ હોય તેવા પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જે કરવામાં નથી. આવી.
તંત્ર ખુદ કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન
શહેરમાં ફાયર એનઓસીની નિયમ વાળી અંતર્ગત આવતા અનેક એકમો કાર્યરત છે. સરકારના અને જીડીસીઆરના નિયમ મુજબ આ પ્રકારના દરેક બાંધકામોએ પાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ફાયર સેફ્ટીના સાધનો વસાવી ફાયર એનઓસી મેળવવી ફરજિયાત છે. અને આ નિયમ વર્ષોથી અમલમાં છે. છતાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ 500થી વધુ પ્રાઈવેટ એકમો મહાનગરપાલિકાએ સીલ કર્યા છે. અને ખુદ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી ન હોવાનું બહાર આવ્યું છે ત્યારે સીલ થયેલા એકમોના સંચાલકોને નિયમોની જાણ હોવા છતાં ફાયર એનઓસી ન મેળવ્યાનું સાબિત થયું છે. તો ખુદ મહાનગરપાલિકાએ પણ જે નિયમની અમલવારી લોકો પાસે કરાવવામાં આવી રહી છે તે નિયમનો ઉલ્લાળિયો કરી પોતાના જ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ ન કરી નિયમનું ઉલંઘન કર્યુ છે. જેના કારણે હવે સેંકડો પરિવારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે જવું ક્યાં? સમાજની વાડીઓ પણ બંધ
મહાનગરપાલિકાએ 1 ઓગસ્ટથી તેના તમામ 17 કોમ્યુનિટી હોલ ત્રણ માસ માટેબંધ રાખવાની જાહેરાત કરી છે. જેના કારણે હવે પછી પ્રસંગો માટે કરવામાં આવતા બુકિંગને બ્રેક લાગી છે પરંતુ અગાઉ અનેક પરિવારોએ પોતાના સંતાનોના લગ્ન તેમજ અન્ય પ્રસંગો માટે બુકિંગ કરાવેલ છે. તે પણ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળતા રઝળી પડેલા પરિવારોના જણાવ્યા મુજબ અચાનક લગ્ન હોલ બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. ત્યારે સેંકડો પરિવારોની પરેશાની ધ્યાન ઉપર લીધી નથી. હવે તારીખ નજીક હોવાથી તેમજ લગ્નની સીઝન પુરઝોશમાં ગઈકાલથી શરૂ થતાં એક પણ પાર્ટીપ્લોટમાં તારીખ ખાલી નથી તમામ જગ્યાએ હાઉસફૂલના શબ્દો સાંભળવા મળી રહ્યા છે. જ્યારે અમુક જ્ઞાતિ દ્વારા શહેરમાં વાડીઓ બનાવવામાં આવી છે. પરંતુ થોડા સમય પહેલા ફાયર એનઓસી અને બીયુસર્ટી અંગે કાર્યવાહી દરમિયાન તમામ સમાજની વાડીઓ પણ સીલ કરી દેવામાં આવી છે. અને વાડી બહાર પ્રસંગો માટે થોડા સમય માટે બુકિંગ પ્રક્રિયા બંધ કરાઈ છે. તેવા બોર્ડ ટ્રસ્ટીઓએ લગાવી દીધેલ હોય હવે પ્રસંગો માટે ક્યાં જવું તેવી કાગારોળ શહેરભરમાં ઉઠી છે.
અગાઉ થયેલા ટેન્ડરો રદ શા માટે કરાયા : તપાસનો વિષય
મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી તેમજ સિવિક સેન્ટરો, વોર્ડ ઓફિસો સહિતની કચેરીઓની તપાસ અગ્નિકાંડ બાદ કરવામાં આવેલ જેમાં મોટાભાગની કચેરીઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલંઘન તયું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ત્રણેય ઝોનલ કચેરી કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારો આવતા હોય છે. તેવી મુખ્ય કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી થોડા સમય પહેલા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ ખર્ચ વધુ થતો હોવાનું બહાનું અથવા અન્ય કારણોસર ટેન્ડર પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવેલ અને હવે અગ્નિકાંડ બાદ કોર્પોરેશન તમામ કચેરીઓ તેમજ લગ્નહોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવા માટે તાત્કાલીકના ધોરણે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હાફડુ ફાફડુથયું છે. તો અગાઉ ટેન્ડર શા માટે રદ કરવામાં આવ્યા હતા. તે તપાસનો વિષય બન્યો છે.