For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમલગ્ન કરનાર યુગલના બાઈકને બોલેરોની ઠોકરે ચડાવી દંપતીને પાઈપના ઘા ઝીંક્યા

01:36 PM May 13, 2024 IST | Bhumika
પ્રેમલગ્ન કરનાર યુગલના બાઈકને બોલેરોની ઠોકરે ચડાવી દંપતીને પાઈપના ઘા ઝીંક્યા
Advertisement

ધોરાજીના ભૂખી ગામની ઘટના: પ્રેમ લગ્ન કરી દંપતી ગામ બહાર રહેવા જતું રહ્યું હતું ગામમાં આવતા હુમલો કર્યો

આજના સોશિયલ મીડિયાના યુગમાં હજુ પણ રુઢીચુસ્ત પરિવાર પ્રેમ લગ્નના સ્વીકારતો નથી જેના કારણે પ્રેમી યુગલોને ભોગવવાનો વારો આવે છે. તાજેતરમાં જ ચોટીલા પાસે ઓનરક્લીંગનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પ્રેમીકાને મળવા આવેલા દ્વારકાના યુવાનને વાડીમાં બાંધી યુવતિના પરિવારજનોએ બે રહેમીથી મારમાર્યાનો કિસ્સો હજુ તાજો જ છે ત્યાં ધોરાજીના ભૂખી ગામે પ્રેમ લગ્ન કરનાર યુગલના બાઈક પર બોલેરો ચડાવી દઈ યુવતિના પિતાએ દંપતિને પાઈપ વડે માર મારી ફ્રેક્ચર જેવી ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામે રહેતા હરેશ ઉર્ફે મયુર લાજાભાઈ કોળી ઉ.વ.27 નામના યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભૂખી ગામે રહેતા બાબુભાઈ ચનાભાઈ વાઘેલાનું નામ આપ્યું છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી ભૂખી ગામે ગ્રામ પંચાયત પાસે રહેતો હોય અને તેની 15 વિઘા જમીન આવેલ હોય જેમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કોળી યુવાનને ત્રણેક વર્ષ પહેલા પોતાના જ ગામની રાજેશ્રી નામની યુવતિ સાથે આંખ મળી જતાં બે વર્ષ પહેલા આ પ્રેમી યુગલે લગ્ન કરી લીધા હતાં. પરંતુ યુવતિના પરિવારજનો લગ્નથી નારાજ હોય પ્રેમી યુગલ એક વર્ષ બરડિયા ગામે રહેવા જતા રહ્યા હતાં.

ત્યાર બાદ છેલ્લા થોડા સમયથી પ્રેમી યુગલ વાડીએ રહેતો હોય અને ક્યારેક ગામમાં આવેલ પોતાના ઘરે રાતવાસો કરવા આવતા હોય ગઈકાલે રાત્રે આ પ્રેમી યુગલ પોતાના ઘરે આવ્યા હતા અને સવારે બાઈક ઉપર વાડીએ જવા નિકળ્યા હતાં ત્યારે યુવતિના પિતા બાબુભાઈ વાઘેલાને અગાઉથી જ જાણ થતાં વેગડી રોડ ઉપર બાઈકનો પીછો કરી બોલેરો કાર બાઈક ઉપર ચડાવી દીધી હતી.

બાઈકને અડફેટે લેતા દંપતિ ફંગોળાઈને રોડ ઉપર પટકાયા બાદ આરોપીએ લોખંડના પાઈપ વડે પતિ પત્નીને માર માર્યો હતો જેમાં કોળી યુવાનના બન્ને પગ ભાંગી નાખ્યા હતાં. ત્યાર બાદ આરોપી પોતાની બોલેરો લઈ નાશી ગયો હતો. આ ઘટના બાદ દંપતિને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ ઘટનાની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે કોળી યુવાનની ફરિયાદ પરથી તેના સસરા સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ ડીએલ પઢિયાર, સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement