For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં બાયોડીઝલનો કાળો કારોબાર : સૂત્રધાર કમલેશ ગણાત્રા

11:54 AM Jun 11, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં બાયોડીઝલનો કાળો કારોબાર   સૂત્રધાર કમલેશ ગણાત્રા
Advertisement

ગોંડલના જામવાડી અને કાગવડ પાસે સરાજાહેર ફિલિંગ પંપથી ભેળસેળ યુકત ડીઝલનું વેચાણ થતું’તું : 70 લાખના મુદ્દામાલ સાથે નવ શખ્સો ઝડપાયા : પુરવઠાને સાથે રાખી એસ.એમ.સી.ત્રાટકી

Advertisement

રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ બેરોકટોક બાયોડીઝલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુરવઠા તંત્રને સાથે રાખી ગોંડલના જામવાડી અને કાગવડ નજીક બે સ્થળે દરોડા પાડી ગેરકાયદેસર ધમધમતા ફિલીંગ સેન્ટર જપ્ત કરી 9 શખ્સોની ધરપકડ કરી 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પુછપરછમાં બાયોડીઝલના કાળાકારોબારમાં સુત્રધાર તરીકે રાજકોટના કમલેશ ગણાત્રાની સંડોવણી ખુલી છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ જિલ્લામાં અવારનવાર બાયોડીઝલનો ગેરકાયદેસર વેચાણ થતું હોય તેના ઉપર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે પરંતુ દરેક વખતે નાની માછલીઓ પોલીસની જાળમાં સપડાતી હતી અને મોટા મગરમચ્છો છટકી જતાં હતાં. ગોંડલ અને જેતપુર નજીક છેલ્લા ઘણા સમયથી સ્થાનિક પોલીસની મીઠીનજર હેઠળ બાયોડીઝલનો કાળોકારોબાર ધમધમતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી.નિલીપ્ત રાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતના સ્ટાફે પુરવઠા તંત્રને સાથે રાખી બે સ્થળે દરોડા પાડયા હતાં.

ગોંડલના જામવાડી નજીક કનૈયા હોટલ પાછળ શ્રી રાજલ ટ્રેડર્સમાં દરોડા પાડી બાયોડીઝલનો કાળો કારોબાર કરતાં ગોંડલના ભરતભાઈ ભુદરજીભાઈ બકરાણીયા, ગોંડલના સાવનકુમાર રજનીકાંત સુરેજા, અમરેલીના અકીલ સતારભાઈ બીલખીયાની ધરપકડ કરી રૂા.5,08,000કિંમતનું 7 હજાર બાયોડીઝલ, ત્રણ મોબાઈલ ફોન, બે ટેન્કર, 17,370ની રોકડ, એક મોટી ટેન્ક અને ભુર્ગભમાં રાખેલ ટેન્ક અને ડીસ્પેન્સર મશીન સહિત 16,56,470નો મુદ્ધામાલ કબજે કરવામાં આવ્યો હતો.

જ્યારે બીજા એક દરોડામાં કાગવડ નજીક આવેલ ધ ગ્રાન્ટ ખોડલ હોટલ અને જય વચ્છરાજ હોટલની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ધમધમતા બાયોડીઝલના કાળા કારોબાર ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગોંડલના ગીરીશ હસમુખભાઈ ઠાકર, રાજકોટના મૌલીક હસમુખભાઈ વ્યાસ, કાગવડના પ્રકાશ હરેશભાઈ ભેડા, ગોંડલના ચંદન દિલીપભાઈ પાડલીયા, કોઠારીયાના ટ્રક ડ્રાઈવર શબીર યુસુફ ઘેડા અને જેતપુરના ટ્રક ડ્રાઈવર આદમ સુમારભાઈ ડોઢીયાની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે કાગવડ પાસે ખુલ્લા પ્લોટમાં ધમધમતા ગેરકાયદેસર બાયોડીઝલના પંપમાંથી 18 લાખની કિંમતના 25,170 લીટર બાયોડીઝલ, છ મોબાઈલ ફોન, 25 લાખના બે ટ્રક, 5.45 લાખની રોકડ, ત્રણ મોટી ટેન્ક, ચાર ડીસ્પેન્સર મશીન અને જનરેટર મળી 52 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિરપુર અને ગોંડલ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાયોડીઝલના કાળો કારોબાર કરતાં શખ્સો સામે આઈપીસીની કલમ 285,286,104 તેમજ આવશ્યક ચીજ વસ્તુધારાની કલમ 3-7 અને વિસ્ફોટક અધિનિયમની કલમ 9(બી)(1)બી હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસની પુછપરછમાં સ્થાનિક પોલીસની મીઠીનજર હેઠળ રાજકોટનાં કમલેશ ગણાત્રા, રાજકોટના કુવાડવા રોડ પર રહેતા હસમુખ ભુદરભાઈ વ્યાસ, અમદાવાદના મહંમદ તુફેલ મહંમદ તોફીક મેમણ અને જુનાગઢના સોયેબ ઉર્ફે અચ્ચુ સલીમભાઈ સોલંકી સહિતના શખ્સોની બાયોડીઝલના કાળો કારોબારમાં સંડોવણી ખુલતાં તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

બાયોડીઝલના કારોબારમાં સ્થાનિક પોલીસની મીઠીનજર ?

રાજકોટ જિલ્લાના ગોંડલ અને જેતપુર નજીક છેલ્લા ઘણા સમયથી બેરોકટોક ધમધમતા બાયોડીજલના કાળા કારોબાર પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 9 શખ્સોની ધરપકડ કરી છે અને રાજકોટના સુત્રધાર કમલેશ ગણાત્રા સહિતના શખ્સોની સંડોવણી બહાર આવી છે ત્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસની મીઠીનજર હેઠળ છેલ્લા ઘણા સમયથી બાયોડીઝલનો કાળો કારોબાર ધમધમતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement