For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો યથાવત્, 5 લાખની લીડમાં પંકચર

06:06 PM Jun 04, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્રમાં ભાજપનો દબદબો યથાવત્  5 લાખની લીડમાં પંકચર
Advertisement

જામનગર-જૂનાગઢમાં સવારે કોંગ્રેસે લીડ મેળવ્યા બાદ બપોર થતા ભાજપ છવાયું, ક્ષત્રિય આંદોલનની અસર છતાં વિજયરથ બંબાટ

રાજકોટમાં રૂપાલાએ સામા પૂરે તરી રેકોર્ડબ્રેક ચાર લાખથી વધુ મતની લીડ મેળવી, પોરબંદર-ભાવનગર-અમરેલીમાં પણ ભાજપને 3 લાખથી વધુની લીડ

Advertisement

લોકસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ જતાં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠ બેઠકો ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. જો કે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાના લક્ષ્યાંકમાં મતદારોએ પંચર પાડી દીધું છે અને માત્ર ચાર બેઠક ઉપર જ ત્રણ લાખથી વધુની લીડ મળી છે. જ્યારે બાકીની ચાર બેઠક ઉપર ત્રણ લાખથી ઓછા મતની લીડથી ભાજપને સંતોષ માનવો પડયો છે. આજના પરિણામો બાદ સૌરાષ્ટ્રમાં તમામ બેઠકો જાળવી રાખ્યાનો ભાજપમાં આનંદ દેખાતો હતો તો સામે દેશમાં એનડીએને 300 થી પણ ઓછી બેઠકો મળતાં તેની નિરાશા પણ ભાજપના નેતાઓના ચહેરાઓ ઉપર સ્પષ્ટ જોવા મળતી હતી.

સૌરાષ્ટ્રમાં સૌથી હાઈવોલ્ટેજ ગણાતી ક્ષત્રિય આંદોલનની જનક રાજકોટ બેઠક ઉપર ભાજપની ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામા પૂરે તરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લીડે ચુંટાયા છે. આ બેઠક ઉપરથી ક્ષત્રિય આનંદોલન શરૂ થયું હતું અને દેશભરમાં ભાજપને ભીષમાં મુકી દીધો હતો. પરંતુ રાજકોટની બેઠક ઉપર રૂપાલાએ એકલા હાથે લડીને 4,35,000 જેવી ઐતિહાસીક લીડ મેળવી લીધી છે.

આજ રીતે પોરબંદરની હાઈ પ્રોફાઈલ બેઠક ઉપર ભાજપના કદાવર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો પણ કોંગ્રેસનાં જુના ખેલાડી લલિત વસોયા સામે 3.80 લાખ મતની લીડથી આસાન વિજય થયો છે. આ બેઠક ઉપર કોઈપણ જાતની ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી ન હતી અને માત્ર 51.83 ટકા જેવું નીચું મતદાન થવા છતાં ડો.માંડવીયાને તોતીંગ લીડ મળી છે. હવે તેમની કેન્દ્રીયમંત્રી મંડળમાં એન્ટ્રી ફરી વખત પાકી માનવામાં આવે છે.

આ સિવાય અમરેલી બેઠક ઉપર પણ ભાજપના પ્રમાણમાં નબળા ગણાતા ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ પણ 3.20 લાખ મતની તોતીંગ લીડ મેળવી છે. આ બેઠક ઉપર કોંગ્રેસના તોખાર મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ચૂંટણી લડતા હોવાથી ભાજપ પણ આ બેઠક નબળી માનતું હતું. પરંતુ મતદારોનો મીજાજ કંઈક અલગ જ હોય તેમ નબળા ગણાતા ભરત સુતરીયાને 3.20 લાખથી વધુ મતની લીડ આપી વિરોધીઓના મૌં બંધ કરી દીધા છે.
ભાવનગરની બેઠક ઉપર સતત 9મી વખત ભાજપનો વિજય વાવટો ફરકયો છે. ભાજપે આ બેઠક ઉપર ઉમેદવાર બદલી કરેલો અખતરો સફળ થયો છે અને નિમુબેન બાંભણીયા 3.76 લાખ મતે વિજેતા થયા છે. આ બેઠક ઉપર ભારતીબેન શિયાળની ટીકીટ કાપી નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી હતી. તેમજ ક્ષત્રિય આંદોલનથી પણ આ બેઠક પ્રભાવિત મનાતી હતી આમ છતાં નિમુબેનને પોણા ચાર લાખ મતની લીડ મળતાં ક્ષત્રિય આંદોલનની ખાસ અસર જોવા મળી નથી.

સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલનથી સૌથી વધુ પ્રભાવિત ગણાતી જામનગરની બેઠક ઉપરથી વર્તમાન સાંસદ પુનમબેન માંડમ સતત ત્રીજી વખત વિજેતા બન્યા છે. પૂનમબેનને 2.35 લાખથી વધુ મતની લીડ મળી છે. આ બેઠક ઉપર જ્ઞાતિના સમિકરણો અને ક્ષત્રિય આંદોલનના કારણે ભાજપ માટે જોખમ મનાતું હતું. પરંતુ રાજકારણમાં પાક્કા ખેલાડી પૂનમબેન માંડમે તમામ ફેકટર ડિસ્કાઉન્ટ કરી ભવ્ય વિજય મેળવતાં ભાજપની છાવણી ગેલમાં આવી ગઈ છે. આ બેઠક ઉપર કોંગ્રેસે જે.પી.મારવીયા જેવા નવા નિશાળીયા ઉપર દાવ અજમાવ્યો હતો. પરંતુ તેણે પણ શરૂઆતમાં પૂનમબેનને સારી ફાઈટ આપી હતી. અને બે ત્રણ રાઉન્ડ સુધી લીડ મેળવી હતી. પરંતુ બપોર સુધીમાં મારવીયા હાફી ગયા હતાં.

જૂનાગઢની બેઠક ઉપર ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત વિજેતા બન્યા છે. જો કે તેની લીડ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી 1.40 લાખ મત જેવી રહી છે. ક્ષત્રિય આંદોલન ઉપરાંત વેરાવળના ડો.ચગના આપઘાત કેસમાં સાંસદ ચુડાસમાનું નામ ઉછળતા આ બેઠક ઉપર ભાજપ માટે કપરા ચઢાણ મનાતા હતાં. જો કે આજે પરિણામ આવી જતાં રાજેશ ચુડાસમા સાંગોપાંગ વેતરણી પાર કરી ગયા છે.

ક્ષત્રિય સમાજનાં આંદોલનના પ્રભાવ વાળી મનાતી સુરેન્દ્રનગર બેઠક ઉપર પણ ભાજપના નવા અને નબળા મનાતા ઉમેદવાર ચંદુભાઈ શિહોરા લગભગ અઢી લાખની મતથી ચુંટાઈ ગયા છે. આ બેઠક ઉપર કોળી સમાજમાં ચુવાળીયા અને તળપદાનો વિવાદ હતો સાથોસાથ ક્ષત્રિય આંદોલન પણ અસરકારક ભુમિકા ભજવી રહ્યું હતું. આમ છતાં ચંદુલાલ શિહોરા અઢી લાખ મતે ચુંટાઈને દિલ્હી પહોંચ્યા છે.

કચ્છની અનામત બેઠક ઉપર વધુ એક વખત ભાજપના સાંસદ વિનોદ ચાવડા 2.40 લાખથી વધુ મતે વિજેતા થયા છે. એક સમયે વિનોદ ચાવડાને ટીકીટ નહીં મળે તેવા અનુમાનો લગાવવાતા હતાં. પરંતુ ભાજપે ફરી એક વખત તેના નામ ઉપર દાવ લગાવ્યો હતો અને વિનોદ ચાવડાને લોકસભાની ટીકીટ આપી હતી. જો કે ક્ષત્રિય આંદોલને પ્રચાર દરમિયાન ભારે વિક્ષેપો ઉભા કરતાં આ બેઠક ભાજપ માટે કસોટી રૂપ બની ગઈ હતી. આમ છતાં વિનોદ ચાવડા ચુંટાઈને ફરી દિલ્હી ભણી રવાના થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement