For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

75 વર્ષે નિવૃત્તિનો ભાજપે ભ્રમ ઊભો કર્યો હતો: મોદી સત્તા છોડે એ વાતમાં માલ નથી

12:31 PM May 14, 2024 IST | Bhumika
75 વર્ષે નિવૃત્તિનો ભાજપે ભ્રમ ઊભો કર્યો હતો  મોદી સત્તા છોડે એ વાતમાં માલ નથી
Advertisement

દિલ્હી લિકર કેસમાં મહિના લગી જેલની હવા ખાધા પછી તિહાર જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવો પલિતો ચાંપી દીધો છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા વરસે નિવૃત્ત થશે એ મુદ્દો ઉઠાવીને સવાલ કર્યો છે કે, નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થશે ત્યારે લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓને 75 વર્ષની ઉંમરનો હવાલો આપીને નિવૃત્ત કરી દેવાયા એ રીતે પોતે નિવૃત્ત થશે ખરા ? કેજરીવાલે કટાક્ષ પણ કર્યો છે કે, મોદી નિવૃત્ત ન થવાના હોય તો તેમણે જાહેર કરવું જોઈએ કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનો નિયમ તેમને લાગુ નહીં પડે.

આ નિયમ માત્ર અડવાણી અને બીજા કેટલાક નેતાઓ માટે હતો. ભાજપના નેતાઓએ મોદીની નિવૃત્તિની શક્યતાને નકારી કાઢી છે. બલ્કે અમિત શાહે તો ત્યાં સુધી કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને સમગ્ર ઈન્ડિયા મોરચાના નેતાઓને કહેવા માગું છું કે મોદીજી 75 વર્ષના થઈ ગયા તેનાથી તેમણે ખુશ થવાની કોઈ જરૂૂર નથી કેમ કે મોદી 75 વર્ષના થયા પછી પણ ભાજપનું અને દેશનું નેતૃત્વ કરતા રહેવાના છે. શાહે એવી ચોખવટ પણ કરી છે કે, ભાજપના બંધારણમાં આ ક્યાંય લખેલું નથી કે 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવું. શાહની વાત સાચી છે કે, ભાજપના બંધારણમાં ક્યાંય 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જવાનો નિયમ નથી પણ એ વાત પણ સાચી છે કે, ભાજપની નેતાગીરીએ આવો નિયમ હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. ભૂતકાળમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર સહિતના સંખ્યાબંધ નેતાઓને ટિકિટો ના અપાઈ કે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાંથી દૂર કરાયા ત્યારે મીડિયામાં એવી જ વાતો આવેલી કે, ભાજપે 75 વર્ષથી વધારે વયના લોકોને નિવૃત્ત કરવાના નિયમ હેઠળ આ દિગ્ગજોને દૂર કર્યા છે. આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રીપદેથી દૂર કરાયાં ત્યારે પણ આ જ કારણ અપાયું હતું. ભાજપના કોઈ નેતાઓએ સત્તાવાર રીતે કદી આ વાત કરી નથી પણ મીડિયામાં આ વાતો કઈ રીતે આવી એ કહેવાની જરૂૂર નથી.

Advertisement

ભાજપની નેતાગીરીએ જ વાતો પ્લાન્ટ કરેલી, બાકી પત્રકારોને પીર થોડા આવ્યા કે એ લોકો આવી વાતો લખે ? આ સંજોગોમાં અમિત શાહ ટેકનિકલી સાચા છે પણ સત્ય નથી કહી રહ્યા. બધા રાજકારણીઓ સત્તા માટે જ રાજકારણમાં હોય છે એ જોતાં મોદી પણ સત્તા માટે રાજકારણમાં આવ્યા ને શક્ય હોય ત્યાં સુધી સત્તા ભોગવ્યા કરવાનો ઉદ્દેશ રાખે તો એ અયોગ્ય નથી જ. મોદીએ ભાજપને સત્તાસ્થાને પહોંચાડ્યો, સળંગ બે વાર લોકસભાની ચૂંટણીમાં જીતાડ્યો ને હવે ત્રીજી વાર પણ જીતાડે તો મોદીને સત્તા ભોગવવાનો અધિકાર છે જ. મોદી ના હોય તો ભાજપ ચૂંટણી જીતી શકે કે કેમ તેમાં જ શંકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement