અંજારમાંથી બે પેઢીનું દોઢ કરોડનું સોનું અને 20 લાખ રોકડા સાથે કારીગર ગાયબ
- પત્ની અને પુત્રને છોડીને નાસી છૂટનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ
સરહદી કચ્છના અંજાર શહેરમાં બે જવેલર્સ પેઢીના માલિકો પાસેથી સોનું લઈને ઘરેણાં બનાવી આપતો પરપ્રાંતીય કારીગર બે પેઢીના માલ અને રોકડા 20 લાખ મળી કુલ 1.55 કરોડની માલમત્તા સાથે ગાયબ થઈ જતાં રાજ્યભરની સોની બજારમાં ચકચાર મચી ગઈ છે.પત્ની અને પુત્રને અંજારમાં જ રાખીને 27 ડિસેમ્બરથી ગાયબ થઈ ગયેલા કારીગરને શોધવા અંદરખાને ભારે પ્રયાસો છતાં તેનો કોઈ પત્તો ના મળતાં તેની વિરુદ્ધ આજે અંજાર પોલીસ મથકે બંને પેઢીએ બે અલગ અલગ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
અંજાર પોલીસ મથકેથી જાણવા મળેલી વિગતો અનુસાર તપન સાહુ નામનો આ ફુલેકુ ફેરવી જનારો કારીગર શહેરની મચ્છીપીઠમાં ધનશ્યામ વર્કશોપ નામથી સોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતો હતો. અંજારના છ મીટર રોડ, ગંગા બજારમાં આવેલી જેનિલ જવેલર્સ નામની પેઢીએ તેને ગત જૂનથી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળા દરમ્યાન ઘરેણાં બનાવવા 53 લાખના મૂલ્યનું 849 ગ્રામ શુદ્ધ સોનું આપ્યું હતું. તો, અંજારની નગરપાલિકા કોલોનીમાં આવેલી સોની કાન્તિલાલ નારણ નામની જવેલર્સ પેઢીએ છેલ્લાં એક-દોઢ વર્ષ દરમિયાન તેને 80 લાખના મૂલ્યની 120 કિલો ચાંદી, ઘરેણાંની મજૂરી પેટે બેંક મારફતે 20 લાખ રોકડા રૂૂપિયા અને એક ગ્રાહકે સમારકામ કરવા આપેલી બે લાખની કિંમતની 35 ગ્રામ સોનાની પોંચી આપી હતી.
ગત 27મી ડિસેમ્બર બાદ તપન સાહુ તેનો મોબાઈલ નંબર સ્વિચ ઑફ કરીને ભેદી રીતે ગાયબ થઈ જતાં સોનીઓ તેના વર્કશોપ પર ગયા ત્યારે ત્યાં હાજર કારીગરોએ શેઠ બહારગામ ગયાં હોવાનું જણાવ્યું હતું. શક જતાં સોનીઓ સોરઠિયા ફળિયામાં રહેતા તપનના ઘેર ગયાં ત્યાં હાજર પત્ની- પુત્રએ રડતાં રડતાં તે અમને મૂકીને કશું કહ્યાં વગર ક્યાંક ચાલ્યા ગયા છે, તેવું જણાવ્યું હતું. સાતેક વર્ષથી તપનને ઘરેણાં બનાવવા માટે લાખો રૂૂપિયાનો માલ આપતા રહેતા સોનીઓએ આપેલી માહિતીના આધારે પોલીસે સમગ્ર પ્રકરણની તપાસ હાથ ઘરી છે.