ચિત્તલમાં બે શ્ર્વાને બટકા ભરી બે વર્ષની બાળકીને ફાડી ખાધી
જસવંતગઢ અને ધારવાડીમાં બે બાળક અને પ્રૌઢને શ્ર્વાને બટકા ભર્યા
અમરેલી તાલુકાના ચિતલની સીમમાં અચાનક હિંસક બની ગયેલા બે શ્વાને વાડી વિસ્તારમાં આંગણામાં રમી રહેલી એક બાળકીને બટકા ભરી લોહી લુહાણ કરી દેતા સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. હિંસક શ્વાને આ ઉપરાંત અન્ય બે બાળક અને એક પ્રોઢને પણ નિંશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
અમરેલી જિલ્લામાં સિંહ- દિપડા જેવા હિંસક પ્રાણીના માણસ પર હુમલાની ઘટના તો અવાર-નવાર બની રહી છે. પરંતુ હવે શ્વાન પણ માનવ જીવનનો ભોગ લઈ રહ્યા છે. આવી એક ઘટના આજે ચિતલના જસવંતગઢ પરાના સીમમાં બની હતી. જાણવા મળતી વિગત અનુસાર આ ઘટના સવારે આઠેક વાગ્યાના સુમારે બની હતી.
જસવંતગઢથી રીકડીયાની સીમમાં ભાવેશભાઈ મધુભાઈ ગજેરાની વાડીમાં મધ્યપ્રદેશનો પરિવાર ખેત મંજુરીનું કામ કરે છે. આજે સવારના સમયે આ ખેત મંજુર પરિવારની બે વર્ષની બાળકી ઓરડીમાં આંગણામાં રમી રહી હતી. ત્યારે અચાનક બે હિંસક શ્વાન ત્યા ધસી આવ્યા હતા. અને આ બાળકીને વારંવાર બટકા ભરી ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.
પરિવાર મદદે પોહંચ્યો ત્યા સુધીમાં બાળકી લોહિ લુહાણ થઈ ગઈ હતી. જેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આવી જ રીતે જસવંતગઢના કાંગશીયા પ્લોટમાં રહેતા મુકેશ કાળુભાઈ ચૌહાણ (ઉ.વ.4) નામના બાળકને હિંસક શ્વાને બટકા ભરી ગંભીર રીતે ઘાયલ કરતા તેને સારવાર માટે પ્રથમ અમરેલી સિવીલ અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
જ્યારે ચિતલમાં ધારવાડીમાં રહેતા મુકેશભાઈ મનસુખભાઈ લીંબાસીયાના 3 વર્ષના પુત્ર ઉપરાંત મગનભાઈ લીંબાસીયા (ઉ.વ.50)ને પણ હડકાયા શ્વાને બટકા ભરી લેતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આમ, શ્વાનના આંતકથી લોકોમાં ફફડાટ છે.
ચિતલમાં 2 વર્ષ પહેલા પણ આજ સીઝનમાં શ્વાન હિંસક બન્યા હતા. અને લોકોને ઘાયલ કર્યા હતા. સરપંચ અશોકભાઈ માંગરોળીયાએ તંત્રને રજૂઆત કરી જરૂૂરી પગલાંની માંગણી કરી છે.