પીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજા
ગુજરાતમાં સિંહોની પજવણી કરવી બે લોકોનો ભારે પડી છે. જેમાં 3 વર્ષની કેદ અને રૂૂ.25 હજારનો દંડ ફટકારાયો છે. રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક વર્ષ પૂર્વે સિંહનું ટોળું વિહરતું હતું.ત્યારે જંગલના રાજા સિંહના સમૂહ પાછળ બસ દોડાવી પજવણી કરી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
રાજુલાના પીપાવા પોર્ટમાં રિલાયન્સ ગેટ પાસે જેટી રોડ ઉપરથી પાંચ સિંહનું ગ્રુપ વિહરતું હતું. આ સમયે બસ ડ્રાઈવર સુલેમાન બાબુભાઈ કલાણિયાએ જાણી જોઈને સિંહોનું મૃત્યુ થાય તે રીતે પુરપાટ ઝપડે બસ દોડાવી સિંહોને હેરાન-પરેશાન કરી તેમની કુદરતી અવસ્થામાં ખલેલ પહોંચાડી હતી.
આ સમયે બાજુમાં બેઠેલો ભાર્ગવ દિનેશભાઈ પરમાર નામના શખ્સે મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી વોટ્સએપના માધ્યમથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જે બનાવ અંગે રાજુલા રેન્જના ફોરેસ્ટ ઓફિસર રાજલબેન ડી.પાઠકે બન્ને શખ્સ સામે ફરિયાદ દાખલ કરાવતા જેના આધારે સુલેમાન કલાણિયા અને ભાર્ગવ પરમારની ધરપકડ કરી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
મુંગા પ્રાણીઓ કે વન્ય પ્રાણીઓ સાથે આવા કોઈ અપકૃત્યો ન થાય અને સમાજમાં દાખલો બેસે, આવા અપકૃત્યો અટકે તે માટે બન્ને આરોપી સુલેમાન બાબુભાઈ કલાણિયા, ભાર્ગવ દિનેશભાઈ પરમારને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ત્રણ વર્ષની સજા અને રૂૂ.25,000નો દંડ ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટના આકરા વલણ અને દાખલારૂૂપ સજાના હુકમથી વન્ય પ્રાણીઓની પજવણી કરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.a