અમરેલીમાં ગૌવંશની હત્યા કરનાર ત્રણને આજીવન કેદ
ગુજરાતના ઇતિહાસનો પ્રથમ ચુકાદો; ત્રણેય આરોપીઓને 6.08 લાખનો દંડ પણ ફટકારતી સેશન્સ કોર્ટ
અમરેલીમાં ગૌવંશનું કતલ કરનારા ત્રણને આજીવન કેદ:ગુજરાતના ઈતિહાસના પ્રથમ ચુકાદા પર સંઘવીએ કહ્યું- પઆ એક સંદેશ છે, જે ગૌ માતા સાથે અન્યાય કરે છે તેમને બક્ષવામાં નહીં આવે, અમરેલી સેશન્સ કોર્ટે બે વર્ષ પહેલા અમરેલીમાંથી ગૌવંશની કતલ કરતા ઝડપાયેલા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દરેકને 6.08 લાખનો દંડ ફટકારતો એતિહાસીક ચુકાદો આપ્યો હતો. ગૌવંશના કતલ મામલે એક સાથે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો આ પ્રથમ ચુકાદો છે.
ગૌવંશની હેરાફેરી અને કતલના કેસમાં અગાઉ અનેક આરોપીને સજા પડી ચુકી છે, પરંતુ એક સાથે ત્રણ આરોપીને આજીવન કેદ અને આટલો મોટો દંડ ફટકારાયો હોય તેવી ઘટના પ્રથમ વખત બની છે. ગત તારીખ 6-11-2023ના રોજ પોલીસ કર્મચારી વનરાજ માંજરિયાને બાતમી મળી હતી કે, અમરેલીના ખાટકીવાડમાં અક્રમ હાજી સોલંકી તેમના રહેણાંક મકાને ગાયોના વાછરડા અને વાછરડીઓને કતલ કરવાના ઇરાદે પકડી લાવે છે, કતલ કરે છે અને તેનું માંસ વેચે છે. બાતમીના આધારે, એએસઆઇ આર.એન. માલકીયાએ પોલીસ કર્મચારીઓ સાથે અક્રમના મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી આરોપી કાસીમ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે સત્તાર ઇસ્માઈલ સોલંકી અને અકરમ હાજી સોલંકી પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. જોકે, બાદમાં પોલીસે તે બન્નેને પણ ઝડપી પાડ્યા હતા.
આ ગૌમાસનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી.મહેતાની ધારદાર દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને આધારે સેશન્સ જજ રીઝવાનાબેન બુખારીએ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-5માં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપી દીઠ રૂૂા. 5,00,000/- નો દંડ ફટકાર્યો હતો.
આ ઉપરાંત જો આરોપી દંડની રકમની ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા તેમજ કલમ-6 (ખ)માં 7 વર્ષની સજા અને રૂૂા.1,00,000/- નો દંડ અને જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-429 માં ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂૂા. 5,000/ નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા કરી તેમજ ભારતીય દંડ સંહિતા કલમ-295માં ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂૂા. 3,000/- નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.