કામમાં ગરબડ નહીં ચાલે, લોકોને તકલીફ પડશે તો અધિકારીઓને સજા: જીતુ વાઘાણી
કૃષિ મંત્રી જીતુ વાઘાણીને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપાયા બાદ તેઓ અમરેલી સર્કિટ હાઉસ ખાતે રિવ્યુ બેઠક માટે આવ્યા હતા. જે બાદ તેમણે અમરેલીના વિવિધ માર્ગો પર સરપ્રાઇઝ વિઝિટ કરીને રોડ-રસ્તાઓની સમીક્ષા કરી હતી.
અમરેલી-લીલીયા રોડ પર પુલની બંને તરફ રોડ ખરાબ હોવાને લઇને મંત્રી જીતુ વાઘાણીએ આર.એન્ડ.બી.ના મુખ્ય ઇજનેર ઢોલાવાલાને સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે રાજ્યના મંત્રી કૌશીક વેક્રિયાએ પણ વિઝીલન્સ તપાસની સૂચના આપી હતી માર્ગ મકાન વિભાગ અને સ્ટેટ પંચાયતના વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા.
અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાની મુલાકાત દરમિયાન રોડ-રસ્તાઓની સમીક્ષા કરી છે. આર.એન્ડ બી. વિભાગ હોય, જિલ્લા પંચાયત હોય કે નેશનલ હાઇવે હોય તે તમામ વિભાગની મુલાકાત લઇને સમીક્ષા કરી છે. એક વર્ષ પહેલાં થયેલા કામ અને જ્યાં કામ ચાલુ છે ત્યાં પણ અધિકારીઓને સાથે રાખીને કામગીરી જોઇ છે.
મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે. રોડ-રસ્તાના કામમાં કોઇપણ ભોગે કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે. જિલ્લાના તમામ અધિકારી, તમામ કોન્ટ્રાક્ટરોને હું અહીંથી સૂચના આપુ છું કે, કામમાં કોઇપણ પ્રકારની ગરબડ ચલાવી લેવામાં આવશે નહીં. જો લોકોને કંઇ તકલીફ પડી તો એની સજા તમને મળશે.
જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, રોડ-રસ્તાઓની સમીક્ષા કરીને અધિકારીઓ પાસે આખો અહેવાલ મંગાવ્યો છે. કેટલિક જગ્યાએ અમે વિઝીલન્સની સૂચના કલેકટરને આપી છે. અધિકારીઓએ પણ તેમને તેમની જવાબદારી સંપૂર્ણ નિભાવવાની છે અને તંત્ર પણ ધ્યાન રાખે. જિલ્લા કલેકટરને પણ સૂચના આપી છે.