બફાટ ભારે પડ્યો, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીનું અંતે રાજીનામું
આપના સંમેલનમાં ગયેલા કાર્યકરને ગાળો ભાંડવાનું પરિણામ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જ્ઞાતિ વિષયક ગાળો આપવા અને ધમકી આપવા બદલ તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી, જ્યારે લાલાવદર ગામના કેટલાક લોકો સુરેન્દ્રનગર ખાતે એક સભામાં ગયા હતા. આ બાબતે અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ લાલાવદર ગામના મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ માધડને ફોન પર ગાળો આપી હતી. તેમણે મહેશભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોડી રાત્રે, ફરિયાદી મહેશભાઈ ઉર્ફે જીગાભાઈ ભાનુભાઈ માધડ (અનુસૂચિત જાતિ) દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચેતન ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉપરોક્ત ઘટનાક્રમ બાદ, ચેતન ધાનાણીએ જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને એક પત્ર લખીને તાલુકા ભાજપ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. ધાનાણીએ પોતાના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે, તેમના નામની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેના કારણે પાર્ટી પર આક્ષેપો થઈ રહ્યા છે. પાર્ટીને કોઈ નુકસાન ન થાય તે માટે નૈતિકતાના ધોરણે તેમણે સ્વેચ્છાએ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે વધુમાં ખાતરી આપી કે તેઓ કાર્યકર્તા તરીકે હંમેશા પાર્ટીના હિત માટે કામ કરતા રહેશે.
