અમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેકટર અજય દહીયાએ અલગ અલગ વિસ્તારમાં આવેલ તાલુકા મથકના મામલતદારો પ્રાંત અધિકારીઓને કડક સૂચના આપતા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમરેલી, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ સહિત વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો અને સૌથી વધુ આરટીઓ નિયમો તોડી ચાલનારા ઓવરલોડ વાહન ચાલકો સામે રીતસર તવાઇ બોલાવી દેવામાં આવતા ખનિજની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનીજના સૌથી વધુ વાહનો તંત્રના હાથે ઝડપાયા છે. જેમાં સફેદ બેલા પથ્થરના બીનઅધિકૃત ઓવરલોડ 11 વાહનો, બિનઅધિકૃત ઓવરલોડ રેતીના 7 વાહન, બિનઅધિકૃત ઓવરલોડ કાર્બોસેલ ખનિજના 19 વાહનો અને બિનઅધિકૃત ઓવરલોડ વાહનો મળી સમગ્ર જિલ્લામાં 40 જેટલા વાહનો જેમાં ટ્રક, ટ્રેક્ટર, ડમ્પર સહિત ભારે વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ 3.5.કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કેટલાક સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્થાનિક મામલતદાર કચેરીઓમાં અલગ અલગ રાખી સિઝ કરી ખાણ ખનીજ વિભાગને રિપોટ કરી જાણ કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે અમરેલી કલેકટર અજય દહીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આમાં ઓવરલોડ ભારે વાહનો અને રોયલ્ટી વગરના વાહનોનો સમાવેશ થાય છે. અલગ અલગ ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરી છે, હજી પણ આવતા દિવસોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો સામે આવશે તો કાર્યવાહી થશે.