ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ખાંભા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્તોમાં મુક્તાબેન સોલંકી (ઉં.વ 26), યક્ષ ભોળાભાઈ (ઉં.વ 3), જયાબેન મકવાણા (ઉં.વ 30) અને વિશ્વા મકવાણા (ઉં.વ 3) નો સમાવેશ થાય છે. ગ્રામજનો દ્વારા આ શ્વાન હડકાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભય અને રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સમક્ષ આ શ્વાનને તાત્કાલિક પકડી પાડવા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ચકરાવાપરા ગામના રામ મકવાણાએ જણાવ્યું હતું કે ગામમાં સવારથી એક શ્વાન આવ્યું હતું. તેણે મારી દીકરી અને પત્નીને બચકા ભર્યા છે. અમે તેમને સરકારી દવાખાને લાવ્યા છીએ. અંદાજે ચાર વ્યક્તિઓને શ્વાન કરડી ગયું છે. અમારી માંગ છે કે, વહેલી તકે આ શ્વાન સામે કાર્યવાહી કરવામાં આવે.
ભોળા ચાવડાએ જણાવ્યું કે મારા ગામમાં શ્વાન આવ્યું હતું અને મારો છોકરો રમતો હતો ત્યારે તેને કરડી ગયું હતું. અમે 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલમાં લાવ્યા છીએ. અમારી માંગ છે કે, આ શ્વાનને વહેલી તકે પકડી પાડવામાં આવે.