લીલિયામાં તસ્કરો ત્રાટકયા, સુપ્રસિધ્ધ અંટાળેશ્ર્વર મહાદેવ મંદિર સહિત પાંચ મંદિરોમાંથી રોકડ-દાગીનાની ચોરી
શિયાળાની શરૂૂઆત થતાં જ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે, ગત મોડી રાત્રે (17 નવેમ્બર) અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. લીલીયાના અંટાળીયા અને જાતૃડા ગામના મળીને કુલ પાંચ મંદિરોના તાળાં તોડી તસ્કરોએ દાનપેટીમાંથી રોકડની ચોરી કરી ફરાર થયા હતા.
લીલીયા તાલુકાના અંટાળીયા ગામે આવેલા સુપ્રસિદ્ધ અંટાળેશ્વર મહાદેવ મંદિર સહિત આસપાસના કુલ પાંચ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ચોરીનો ભોગ બનેલા અન્ય મંદિરોમાં આશ્રમ પાસેના પ્રેમ સાહેબ આશ્રમ અને ખોડિયાર માતાજીના મઢનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાત્રુડા ગામે પણ ખોડિયાર મંદિરમાં ચોરીની ઘટના બની હતી.
તસ્કરો મંદિરોમાંથી દાનપેટી ઉઠાવી ગયા હતા અને બાદમાં અંટાળીયા ગામની બહાર દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. લાઠીયા પરિવારના મઢેથી દાનપેટીની રોકડ રકમ ઉપરાંત સોનાના છતર પણ ગયા હોવાનું અનુમાન છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જાતૃડા અને અંટાળીયાના મંદિરોમાંથી મળીને કુલ રૂૂ.29,000ની રોકડ રકમની ચોરી થઈ હોવાનું નોંધાયું છે. ઘટનાની જાણ થતાં જ અમરેલી એલસીબી અને લીલીયા તાલુકા પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂૂ કરી છે. પોલીસે આસપાસના ગામોના સીસીટીવી કેમેરા દ્વારા તસ્કરોની શોધખોળ તેજ કરી છે. જાતૃડા અને અંટાળીયા ગામના મંદિરોમાં થયેલી ચોરીના ફૂટેજમાં ચાર અજાણ્યા યુવકો કેદ થયા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.