દામનગરમાં SMCનો દરોડો: જુગારની ક્લબ સાથે દારૂની મહેફિલ ઝડપાઈ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર બસસ્ટેન્ડ નજીક શ્યામ કોમ્પલેક્ષમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ગાંધીનગરનું સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડ્યો હતો. આ જૂગારની ક્લબમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે પોલીસના દરોડામાં પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતાં. જૂગારના દરોડામાં દારૂની 13 બોટલ પણ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે વાહન, પાંચ મોબાઈલ, દારૂની બોટલ સહિત રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ આઈપીએસ નિર્લિપ્તરાયના તાબા હેઠળની સ્ટેટમોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર. રબારી અને ટીમે બાતમીના આધારે દામનગરના બસ્ટેન્ડ પાસે આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂ જૂગારની ક્લબ મળી આવી હતી.
એસએમસીના દરોડામાં જૂગાર રમતા દામનગરના હિંમત ઉર્ફે કાળુ શ્યામજીભાઈ જયપાલ, હર્ષદ પ્રાગ્જીભાઈ જયપાલ, ગણેશ નાગજી પરમાર, અમિત દેવશીભાઈ પરમાર, સંજય દિનેશભાઈ સોલંકી અને ભાવેશ બાબુભાઈ જાંજડિયાની ધરપકડ કરી રૂા. 19,150ની રોકડ, 90000ના ત્રણ વાહનો તથા 1300 રૂપિયાની કિંમતની 13 બોટલ વિદેશી દારૂ મળી રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં વરલી-મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સુત્રધાર ભરત જયંતિભાઈ ગોહિલ, ભાગીદાર અર્જુન જીવણભાઈ સાતડિયા, કેશિયર મુકેશ ઠાકોર દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી કૌશીક ભરતભાઈ ગોહિલ અને દારૂની ડિલેવરી આપનાર શૈલેષ અરવિંદભાઈ ચાવડિયા ફરાર થઈ ગયા હતાં. દારૂ અને વરલી-મટકાની ક્લબમાં તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય આ મામલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છ.ે