અમરેલીમાં પોલીસ કર્મચારીએ પ્રેમિકા સાથે મળી પત્નીને માર માર્યો
જાફરાબાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અમરેલીની મહિલા સાથે અનૈતિક સબંધ હોય ગઈકાલે આ મહિલા સાથે મળી ખુદ પત્નિના ચારિત્ર પર શંકા કરી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવ અંગે પીડિત મહિલાએ જાફરાબાદમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પતિ મિતેષ પ્રણજીભાઈ રાઠોડ (ઉ.વ.47) અને તેની પ્રેમિકા બિન્દુ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે આ મહિલા સાથે પતિને દસેક વર્ષથી અનૈતિક સબંધ છે અને છેલ્લા 5 વર્ષથી તેને આ સબંધની જાણ થઈ હતી. ગઈકાલે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે ફોન કરીને બિન્દુને ઘરે બોલાવી હતી અને બંનેએ સાથે મળી આ મહિલાના ચારિત્ર પર શંકા કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ ઘટનામાં પત્નીએ પતિ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાની જાણ થતાં પત્ની છેલ્લા પાંચ વર્ષથી તેમને રોકટોક કરતા હતા. આ બાબતે પતિએ પત્નીને વાસણ સાફ કરવા બાબતે પણ ત્રાસ આપ્યો હતો.આરોપ છે કે પતિ અને એક વ્યક્તિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને શરીર પર મૂંઢમાર વાગ્યો હતો, જમણા હાથની પહેલી આંગળી અને જમણા ગાલ પર નખોરિયા ભરવામાં આવ્યા હતા. વાળ ખેંચી ગળાટૂંપ આપી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારી અગાઉ પણ વિવાદોમાં સપડાયો હતો. ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને અન્ય જિલ્લામાં બદલી પણ થઈ હતી. તેની પત્ની દ્વારા ફરિયાદ નોંધાવાતા તે ફરી ચર્ચામાં આવ્યો છે.