ન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ
8 માસ બાદ પણ ન્યાય નહીં મળતા મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કૌશિક વેકરીયા સામે પણ સવાલ
મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ફરી એક વખત અમરેલી ભાજપનો લેટરકાંડ ચર્ચામાં
અમરેલીનું રાજકારણ ફરી ગરમાયું છે. 8 મહીના પહેલા પાયલ ગોટી લેટરને લઇને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ સમીતીના રિપોર્ટ બાદ પણ પાયલ ગોટીને ન્યાય ન મળતા હવે પાયલ ગોટીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સામે ન્યાયની માંગ સાથે પત્ર લખતા ફરી રાજકારણ ચર્ચામાં આવ્યું છે.
પાયલ ગોટીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જે ઘટના બની અને તેની સામે પોલીસના વર્તનનો ઉલ્લેખ કરીને પાયલ ગોટીએ ફરી ન્યાયની માંગ કરી છે. આ પત્રની એક નકલ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને પણ પહોંચાડવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ તપાસ કમીટીના વડા નિર્લીપ્ત રાય દ્વારા જે તપાસ કરવામાં આવી તેનો એક રિપોર્ટ માન્ય અધિકારી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે. જેમાં એવું સ્પષ્ટ પણે લખવામાં આવ્યું છે કે પાયલ ગોટી તેમજ મનીષ વઘાસીયાને માર માર્યાના કોઇ વિશેષ પુરાવાઓ ઇન્કવાયરી તપાસ દરમ્યાન મળી આવેલ નથી.
આ રિપોર્ટ બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ મેદાનમાં આવ્યા છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશ ધાનાણીએ સોશ્યલ મીડીયામાં પોતાની પોસ્ટ મુકી છે જેમાં કાવ્યાત્મક અંદાજમાં આકરા પ્રહાર કર્યા છે અને ફરી નિર્દોષ દીકરીને અડધી રાત્રે ઉઠાવી જનારા કોણ? વરઘોડો કાઢનારા કોણ કોણ?
જેવા સવાલો ઉઠાવીને પીડીત પાયલ ગોટીને ન્યાય આપવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજકીય વર્તુળોમાં મંત્રી મંડળના વિસ્તરણને લઇન અટકળોનો માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ પાયલ ગોટી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રથી અમરેલીનો લેટર કાંડ ફરી એકવાર ચર્ચામાં આવતા રાજકીય માહોલમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે અને વાર પલટવારનો દોર પણ ફરી એકવાર શરૂ થયો છે.
પરેશ ધાનાણીએ કવિતા દ્વારા નિશાન તાકયુ
નિર્દોષ દીકરીને અડધી રાતે ઉઠાવી જનારા કોણ?
નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢનારા કોણ કોણ?
નિર્દોષ દીકરીને ખોટા કેસમાં ફસાવનારા કોણ?
સંડોવાયેલા અધિકારીને પ્રાઈમ પોસ્ટિંગ આપનારા કોણ?
ગુજરાત હજુય જવાબ માગે છે: પરેશ ધાનાણી
નારી સ્વાભિમાન આંદોલન, પીડિત પાયલને ન્યાય આપો