અમરેલી જિલ્લામાં સરવે નહીં સીધી સહાય ચૂકવો
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ, 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે અને ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્ય સરકારે મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવા અને રિપોર્ટ આપવા સૂચના આપી હતી. ત્યારબાદ, રાજ્ય સરકારે સહાય માટે ડિજિટલ સર્વે કરવાની સૂચના આપી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ વધ્યો. રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનની ટીમ એકત્ર થઈ હતી અને 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી ન થવા દેવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો.
સરપંચોનો આક્ષેપ છે કે ડિજિટલ સર્વેના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. આ મામલે તાલુકા સરપંચ એસોસિએશન સહિતના સરપંચો દ્વારા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
પૂર્વ સરપંચ વલકુભાઈ બોસએ જણાવ્યું હતું કે, 7 દિવસ પુષ્કળ વરસાદ પડ્યો, રાજુલાનું કોઈ ગામડું એવું નથી કે જ્યાં વરસાદ નહોતો. ડિજિલ સર્વેનો ના પાડવા પાછળનું કારણ એ છે કોઈ મોટુ ગામ હોય કોઈ સંજોગોમાં ખેડૂત બહાર ગયો હોય અને આજે કરીશું કાલ કરીશું જેના કારણે સરપંચો સામે આક્ષેપ થાય છે. સરકારના ધારાસભ્ય-મંત્રીઓ ફર્યા છે, સરકારને ખબર છે, ચારથી 5 જિલ્લામાં વરસાદ પડ્યો છે તો સર્વે કરવાનું મહત્વ શુ છે. સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતો ડાયરેક સિધ્ધિ સહાય આપે. અગાઉ અનેક વખત ડિજિટલ સર્વે થયા જ છે, કોના ખેતરમાં ડુંગળી છે, કોના ખેતરમાં મગફળી છે, સરકારને ખબર જ છે.