રાજુલામાં લગ્ન પ્રસંગમાં દાંડિયારાસ લેતા પટેલ યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ
એન્જિનિયરિંગના છાત્રનાં મોતથી શોકની લાગણી
કોરોના કાળ બાદ હ્રદય રોગના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી માંડીને ખેલના મેદાનમાં યુવકો સહિતના નાની વયે લોકો અણધાર્યા હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યાં છે, ત્યારે આવો જ વધુ એક બનાવ અમરેલી જિલ્લાના રાજુલામાંથી સામે આવ્યો છે. જેમાં લગ્ન પ્રસંગમાં ચાલી રહેલા રાસ ગરબાના કાર્યક્રમમાં 24 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજુલામાં રહેતા વ્યવસાયે કોન્ટ્રાક્ટ કિશોર પટેલનો 24 વર્ષીય પુત્ર પાવન પટેલ લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં દાંડિયાના કાર્યક્રમમાં રાસ રમતી વખતી પાવન પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તે ઢળી પડ્યો હતો. આથી ઉપસ્થિત મહેમાનો તાત્કાલિક પાવનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ હાર્ટ એટેકથી પાર્થનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતુ.
મૃતક યુવક અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. જે પોતાના મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજુલા આવ્યો હતો. લગ્ન પ્રસંગની ઉજવણી વખતે જ પાવનનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.હેલ્થ એક્સપર્ટના મતે કસરત, ડાયટ, ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બ્લડ પ્રેશર, શુગર પણ હ્દય પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે પૂરતી ઊંઘ, બ્લડ પ્રેશર, સુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકારી દાખવશો, તો પણ હાર્ટ એટેકનો ખતરો વધી જતો હોય છે. તેથી આ બધી બાબતો પર ધ્યાન આપી હ્રદયને સ્વસ્થ રાખી શકાય છે.