અમરેલીમાં ગુમ યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ
પત્ની સાથે આડાસંબંધની શંકાએ હત્યા કરી આરોપીએ ખાંભામાં લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા 42 વર્ષીય સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાની 24 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રાજદીપ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે, જેણે હત્યા કરીને લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં એક વોકળામાં ફેંકી દીધાની કબૂલાત કરી છે. સુરેશભાઈ સભાડિયા 10 ઓક્ટોબર, 2025ના રોજ ગુમ થયા હતા. તેમના ભાઈ લાલજીભાઈ સભાડિયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી હતી. રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડાની ટીમે ટેકનિકલ સોર્સ અને પોલીસના બાતમીદારો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસે તેને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂૂ કરી હતી. પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં પાણીના એક વોકળામાં ફેંકી દીધી હતી.
આરોપીની કબૂલાત બાદ રાજુલા પોલીસ, મામલતદાર સહિતનો કાફલો પીપળવા નજીક પહોંચ્યો હતો. આરોપીએ બતાવેલી જગ્યાએથી બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુરેશભાઈ આરોપીની પત્ની સાથે વાતચીત કરતા હતા અને પ્રેમસંબંધના કારણે આ હત્યા થઈ હોવાનું મનાય છે. પોલીસ આ અંગે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.પોલીસની પૂછપરછમાં આરોપી રાજદીપે કબૂલ્યું હતું કે, સુરેશ અને તેના વચ્ચે માથકૂટ થઈ હતી. જેથી તેણે સુરેશનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ લાશને બ્લેન્કેટમાં બાંધી બાઇક દ્વારા ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટીયાથી પીપળવા ગામ તરફ જવાના રોડે ખાડામાં નાખી ઈઈ, પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
એ.એસ.પી. જયવીર ગઢવીએ જણાવ્યું કે, રાજુલાના એક ગુમ વ્યક્તિની લાશ ખાંભાના પીપળવા વિસ્તારમાંથી મળી આવી છે અને તેમની હત્યા થઈ છે. અમારી પોલીસ ટીમો તપાસ કરી રહી છે અને હત્યાનો ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.