વડિયા નજીક મોડીરાત્રે ટ્રેન અડફેટે સિંહબાળ ઘાયલ, અન્ય 4નો બચાવ
અમરેલી જિલ્લામાં વાડિયાના વાવડી રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે એક સિંહબાળ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે વેરાવળ-બાંદ્રા વીકલી પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા. ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું, જ્યારે સિંહણ અને અન્ય સિંહબાળનો બચાવ થયો હતો. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ સિંહબાળને રેસ્ક્યૂ કરીને સારવાર માટે ખસેડ્યું છે. કુંકાવાવ વિસ્તારમાં ટ્રેનની અડફેટે સિંહના અકસ્માતની આ પ્રથમ ઘટના છે.
ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. શેત્રુંજી ડિવિઝનના આરએફઓ ભરતભાઈ ગાલાણી સહિત કુંકાવાવ ટીમ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આખો રેલવે ટ્રેક સ્કેન કરીને અન્ય સિંહોને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી અને ટ્રેક ક્લિયર કરાવ્યો હતો.
સિંહબાળના અકસ્મતને કારણે પેસેન્જર ટ્રેનને એક કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી. વનવિભાગ દ્વારા સિંહબાળનું રેસ્ક્યૂકર્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.જૂનાગઢના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું કે, તેઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. કુંકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટના છે. ઘાયલ સિંહબાળને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને સક્કરબાગ ઝૂ ખાતે ઇમરજન્સી સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.