ધારીના દલખાણિયામાં ખેડૂત પર સિંહનો હુમલો: પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં
ગુજરાતમાંથી અવારનવાર જંગલી જાનવર દ્વારા શિકાર માટે માણસો પર હુમલો કરવાની ઘટના સાંભળતા હોઈએ છીએ એવામાં અમરેલીમાંથી આવો જ એક ભયાવહ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેતરે કામ કરતા એક ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. ખેતીકામ કરતા એક આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દલખાણીયા ગામના ખેડૂત પોતાની વાડીએ પાણી પાઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. જેમતેમ કરી પોતાના બચાવનો પ્રયાસ કરતા ખેડૂત આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત બટુકભાઈને સિંહે પગના ભાગે ઈજા પહોંચાડતા તેમને 108 મારફતે ધારી સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હુમલાના બનાવની ઘટના બનતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પિંજરા મૂકીને સિંહને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તને વધુ ઇજાની જાણ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.