ધારીમાં પ્રેમસંબંધના મનદુ:ખમાં હત્યા કરનાર યુવાનને આજીવન કેદ
ધારીના હિમખીમડી પરામાં ત્રણ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં યુવક યુવતી ભાગી ગયાની ઘટનામાં અહીંના આધેડની હત્યા કરવાના કેસમાં અદાલતે યુવકને આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે.
અમરેલીના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજે આ મુદ્દે ધારીના હિમખીમડી પરામાં રહેતા મહેશ વિનુભાઈ રાઠોડ નામના યુવકને હત્યા કેસમાં આ સજા ફટકારી છે. તેણે ગત તારીખ 29/5/22ના રોજ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. ધારી તાલુકાના જળ જીવડી ગામના રમેશભાઈ ભીમભાઈ પીપળીયાની તેણે હત્યા કરી હતી..
રમેશભાઈના પુત્ર રાજેશને હત્યારા મહેશની બહેન સેજલ સાથે પ્રેમ સંબંધ થતાં બંને આ ઘટનાના ત્રણ માસ પહેલાં નાસી ગયા હતા. જેનું મન દુ:ખ ચાલ્યું આવતું હતું.
બનાવની રાત્રે મહેશ રાઠોડ તેના અન્ય એક સાથીદાર ઘનશ્યામ પાડેલીયા સાથે જળ જીવડી ગામે ગયો હતો. અને રમેશભાઈ પીપળીયાના ઘરમાં ઘુસી છરીના ચાર ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી .જેને પગલે તેમનું મોત થયું હતું. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલ માન્ય રાખી અદાલતે મહેશ વિનુભાઈ રાઠોડને હત્યા કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી રમેશભાઈના પત્ની મંજુબેનને વળતર તરીકે રૂૂપિયા બે લાખ ચૂકવવાનો પણ અદાલતે હુકમ કર્યો હતો.
