રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા કર્યાના કેસમા અદાલતે આજે રાજકોટના એક યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી. જયારે બે શખ્સને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
હત્યાની આ ઘટના ગત તારીખ 25/2/2020ના રાત્રીના સમયે બની હતી. જયાં મુળ પોરબંદરનો અને રાજકોટમા રહેતા મયુર દિનેશભાઇ સાકરીયા (ઉ.વ.28) નામના યુવકની રાજકોટમા રહેતા તેના જ મિત્ર મુર્તુજા ઉર્ફે બીલાલ સિકંદરભાઇ અહમદમીયા રાવડાએ રાજકોટના સમીરશા રમજુશા પઠાણ અને ધારગણીના આણદુભાઇ આપાભાઇ વાળાની મદદથી હત્યા કરી હતી. રાજકોટમા મુર્તુજાનો દારૂૂ ઝડપાયો હોય તેની બાતમી પોતાના મિત્ર મયુર સાકરીયાએ જ આપી હોવાની તેને શંકા હતી.જેથી મયુરને ગંધ ન આવે તે રીતે મુર્તુજા પોતાની સાથે અમરેલી લઇ આવ્યો હતો. અહી બંનેએ સાથે દારૂૂ પીધો હતો અને બાદમા ધારગણીમા આણદુભાઇ વાળાની વાડીએ ગયા હતા.
જયાં ત્રણેય જણાએ તેને કમરપટ્ટાથી બેફામ મારમાર્યો હતો. માથામા કાચની બોટલ અને લાકડીના ઘા પણ માર્યા હતા. બાદમા આ યુવકને મોટર સાયકલમા વચ્ચે બેસાડી રાત્રીના સમયે નદીના પટમા ફેંકી ગયા હતા. તેઓ મયુરનુ મોત થયુ હોવાનુ માનતા હતા પરંતુ હકિકતમા તે જીવિત હતો.
કણસતા યુવકને લોકોએ હોસ્પિટલે ખસેડયો ત્યારે તેણે મુર્તુજાના મોબાઇલ નંબર અને નામ આપ્યા હતા બાદમા તેનુ મોત થયુ હતુ. જે અંગેનો કેસ અમરેલીની સેશન્સ કોર્ટમા ચાલી જતા સરકારી વકિલ મમતાબેન ત્રિવેદીની દલીલ માન્ય રાખી જજ રીઝવાનાબેન બુખારીએ મુર્તુજાને આજીવન કેદ અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.