ધારીના ત્રંબકપુર ગામે માતાની નજર સામે બાળકીને ફાડી ખાતો દીપડો
પાંચ દિવસમાં શિકારની ત્રીજી ઘટના, હુમલાના ચાર બનાવથી લોકોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના ધારીગીર પૂર્વ દલખાણીયા રેન્જમાં આવેલા ત્રબકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. માતાની નજર સામે જ એક વર્ષની બાળકીને ઉઠાવી જઇ બાળકીનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પરષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવારની માતા રસોઈ બનાવી રહી હતી. જ્યારે બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો. રસોઈ બનાવી રહેલી માતા કઈ સમજે એ પહેલા જ દીપડો બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો. અને ફાડી ખાધી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક આર.એફ.ઓ., એ.સી.એફ. સહિત ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો પણ હાજર રહ્યો હતો. દીપડાને પકડવા માટે સાત પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે બગસરાના હામાપુર ગામે સિંહણે ખેતમજુરના બાળકને અને મંગળવારે ગીરગઢડાના પીછબી ગામે બે વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાધી હતી ત્યારબાદ આ ઘટના બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ સિવાય છેલ્લા ચાર દિવસમાં જુનાગઢ અને ખાંભા તથા ધારી તેમજ ઉનાના કાજરડીમાં સિંહ-દિપડાના હુમલાની ચાર ઘટના બની છે.