ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો
અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. CCTV મા કેદ થયેલા ફૂટેજમાં દીપડો રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં અવરજવર કરતો જોવા મળ્યો છે. એક દીવાલ પર છલાંગ મારતો દીપડો કેમેરામાં કેદ થયો છે. આ દૃશ્યોથી સ્થાનિક રહીશોની ચિંતા વધી છે. વન વિભાગે તાત્કાલિક તપાસ શરૂૂ કરી છે. દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે. વિભાગ દીપડાના પગલાંના આધારે તેનું લોકેશન શોધવાની કામગીરી કરી રહ્યું છે. સ્થાનિક લોકોએ રાત્રિ દરમિયાન વન વિભાગનું પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
સિંહોની સાથે હવે દીપડાની સંખ્યા પણ વધતાં ખેડૂતો અને ખેતમજૂરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વન વિભાગ દીપડાને પકડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. આ કારણે વિસ્તારમાં ભયનો માહોલ યથાવત છે.