મહુવા રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે રસ્તો ઓળંગતા દીપડાનું મોત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં મોડી રાત્રે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મહુવા રોડ પર આવેલા બાયપાસ વિસ્તારમાં એક દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને તેને હડફેટે લીધો હતો. ગંભીર ઈજાઓને કારણે દીપડાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.ઘટનાની જાણ થતાં વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સલામતીના ભાગરૂૂપે બંને તરફ વાહનવ્યવહાર રોકી, દીપડાના મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે.
વન વિભાગે આ ઘટના અંગે વિસ્તૃત તપાસ શરૂૂ કરી છે. અજાણ્યા વાહનચાલકની ઓળખ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં દીપડાઓની વધતી સંખ્યા અને હાઈવે પરના વાહનવ્યવહારને કારણે આવી દુર્ઘટનાઓમાં વધારો થયો છે.નોંધપાત્ર છે કે આ પહેલા પણ થોડા દિવસો અગાઉ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના છતડીયા ગામ નજીક પણ આવી જ રીતે એક દીપડાનું મોત થયું હતું, જેમાં પણ વાહનચાલકની કોઈ ભાળ મળી નથી. આ ઘટનાઓ વન્યજીવ સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક બની રહી છે.