મધરાત્રે સિંહ પરિવારે ખાંભા ગામ માથે લીધું, પશુના ટોળાંમાંથી વાછરડીનો શિકાર કર્યો
ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા વાઇરલ
અમરેલી જિલ્લામાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ સિંહો ગામમાં ઘૂસવાની ઘટનાઓ સામે આવે છે. ખેતરોમાં પાણી ભરાવવા જીવાતોનો ઉપદ્રવ થવાના કારણે સિંહો ખુલ્લા વાતાવરણ વિસ્તારમાં વધુ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાંભાના ત્રાકુડા ગામે રોડ પર બેઠેલા રેઢિયાર પશુઓ પર 4થી 5 જેટલા સિંહોના ટોળાએ અચાનક દોટ મૂકી પશુઓના ટોળા વચ્ચે સિંહો ત્રાટકતા ઢોર પશુઓમાં રીતસર અફડા તફડી મચી ગઇ હતી.
આ ઘટનાક્રમ રહેણાંક વિસ્તારના સીસીટીવી કેમેરા ફુટેજમાં કેદ થતા સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં 1 પશુ વાછરડી ભાગી નહિ શકતા સિંહએ દબોચી લેતા શિકાર થયો હતો અને અન્ય પશુઓ ગામમાં ખેડૂતોના ખેતરોમા અલગ અલગ વિસ્તારમાં જીવ બચાવવા ભાગ્યા હતા. જેના કારણે બચાવ થયો હતો. સિંહોએ શિકાર કરવા માટે ભારે ભાગદોડ મચાવી હતી, જેમાં રીતસર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
સિંહોની સંખ્યાઓ વધી રહી છે, જેના કારણે સિંહોના ગ્રુપ સાથે શિકાર કરવાની વધુ કોશિશ સિંહો કરી રહ્યા છે. રાજુલાના રામપરા ગામમાં પણ સિંહો વાંરવાર આવી રીતે ઘુસી શિકાર કરવાની ઘટનાઓ વધુ સામે આવે છે અનેક વખત સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચુક્યા છે.ત્યારે વધુ એક ખાંભાના ત્રાકુડા ગામની ઘટના સામે આવી છે.