ધારીના જળજીવડી ગામે ઘરમાં દીપડો ઘૂસી જતા બેભાન કરીને પાંજરે પૂરાયો
અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં અવારનવાર સિંહ અને દીપડા ઘૂસી જવાના બનાવો બની રહ્યા છે. શનિવારે રાત્રે અમરેલીના ધારીના જળજીવડી ગામમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી હતી. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો એક ઘરમાં ઘૂસી ગયો હતો અને અભરાઈ પર ચડી બેસી ગયો હતો.
ઘટના અંગેની જાણ વનવિભાગની ટીમને કરાતા દીપડાને બેભાન કરી પાંજરે પૂરવાનો નિર્ણય કરાયો હતો. ફોરેસ્ટની ટીમ દ્વારા સીડીની મદદથી મકાનની પાછળના ભાગે આવેલી બારીમાંથી ટ્રાન્ક્વિલાઈઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધારીના જળજીવડી ગામમાં રાત્રિના સમયે શાંતિનો માહોલ હતો. અચાનક જ દીપડો ઘૂસી આવ્યો હતો અને પશુ પર હુમલો કરતા ગામમાં દોડધામ મચી હતી અને લોકો સલાસત સ્થળે પહોંચી ગયા હતા. ગામની શેરીઓમાં દોડધામ કરી રહેલો દીપડો અચાનક મુન્નાભાઈ રામાણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને એક રૂમની અભરાઈ પર ચડી બેસી ગયો હતો.રહેણાક મકાનમાં દીપડો ઘૂસી ગયાની જાણ થતા વનવિભાગની ટીમ રાત્રિના સમયે જ ગામમાં દોડી આવી હતી.
દીપડાને પકડવા માટે બેભાન કરવો જરૂરી લાગતા વનવિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાન્ક્વિલાઈઝર ગન તૈયાર કરવામાં આવી હતી. મકાનની બહારના ભાગે એક બારી હોઇ વનકર્મીઓ સીડીની મદદથી બારી સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી દીપડાને બેભાન કરાયો હતો. દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.