અમરેલીમાં પુર્વ કૃષિમંત્રી ભાદાણીના પુત્રનો સાળો 12 લાખની નક્લી જંતુ નાશક દવા સાથે ઝડપાયો
ખેડૂત આગેવાનોના જિલ્લા તરીકે ગણાતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે નરી છેતરપીંડી થઇ રહી છે. અમરેલીમા બાયપાસ પર પોલીસે આજે બનાવટી જંતુનાશક દવાની એક ફેકટરી પર દરોડો પાડી 12.39 લાખનો મુદામાલ કબજે લીધો હતો. કોઇ જ લાયસન્સ વગર અહી આ ફેકટરી ધમધમતી હતી. પુર્વ કૃષિમંત્રી બેચર ભાદાણીના પુત્રએ આ કારખાનુ તેના એક સાળાને ભાડે આપ્યું હતુ.
અમરેલીમા પોલીસે આજે બાતમીના આધારે સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રસ્તા પર પડસાલા ગેસના ગોડાઉન સામે ભાદાણીની વાડીમા આ બિન અધિકૃત ફેકટરી ઝડપી પાડી હતી. ખેતીવાડી અધિકારી અને પોલીસની ટીમે અહી સંયુકત રીતે દરોડો પાડતા અમરેલીમા મન સીટીમા રહેતો અલ્કેશ ભાનુભાઇ ચોડવડીયા (ઉ.વ.47) નામનો શખ્સ અહી બનાવટી જંતુનાશક દવા બનાવતો ઝડપાઇ ગયો હતો. આ જગ્યા અલ્કેશે તેના બનેવી અતુલ ભાદાણી પાસેથી છ માસ પહેલા ભાડે રાખી હતી. જેમા ખેતીવાડીમા વપરાતી જંતુનાશક દવાની ગેરકાયદે ફેકટરી ખોલી નાખી હતી. આ શખ્સ પાસે જંતુનાશક દવા બનાવવાનુ કે વેચાણ કરવા અંગેનુ કોઇ લાયસન્સ ન હતુ. છતા તેણે જુદી-જુદી બ્રાંડની જંતુનાશક દવાની 876 બોટલ ભરી રાખી હતી. આ ઉપરાંત દવાઓના કેરબા પણ ભરી રખાયા હતા. જેમાથી તંત્ર દ્વારા જુદાજુદા 11 નમુનાઓ લેવામા આવ્યા હતા. અહી તૈયાર થયેલી બોટલો કાર્ટુનમા પેક કરવામા આવી હતી.
તંત્ર દ્વારા મેન્યુફેકચર અને એકસ્પાયર તારીખ ચોટાડવાનુ મશીન, એક ફિલીંગ મશીન ઉપરાંત ઢાંકણા ફિટ કરવાના મશીન, રેપીંગ કરવાનુ મશીન વિગેરે સાત મશીન પણ કબજે લેવામા આવ્યા હતા. જે તમામને હાલમા સીલ મારી દેવાયુ છે. ખેડૂતોની બહુમતી ધરાવતા અમરેલી જિલ્લામા ખેડૂતો સાથે જ મોટા પ્રમાણમા ખુલ્લેઆમ છેતરપીંડી થઇ રહી છે અને નેતાઓ મૌન બની તમાસો જોઇ રહ્યાં છે. પોલીસે આ બારામા અલ્કેશ ચોડવડીયા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ખેતીવાડી અધિકારીની હાજરીમા જંતુનાશક દવાના જથ્થામાથી જુદાજુદા 11 નમુના લેવાયા હતા. આ દરેક નમુના ત્રણ ત્રણ ભાગમા લેવાયા હતા અને પ્રયોગશાળામા ચકાસણી માટે મોકલાયા હતા.