સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું નિવાસસ્થાન છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે વનવિભાગે સાવચેતીના પગલાં લીધા છે.
વનવિભાગના સીએફ રામ રતનનાલાની સૂચના બાદ શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવવામાં આવી છે.
આ ટીમો દ્વારા સિંહોના લોકેશન મેળવીને પેટ્રોલિંગ શરૂૂ કરવામાં આવ્યું છે. સિંહોના સ્કેનિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. દરિયાકાંઠે આવેલા તાલુકાઓમાં કર્મચારીઓ અને ઉદ્યોગો સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ કામગીરી માટે 40 જેટલા સ્ટાફની ટીમો કાર્યરત કરવામાં આવી છે. કોવાયા અને રામપરા સહિતના વિસ્તારોમાં એક-એક સિંહનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું કે, ભાવનગર અને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઈઋની સૂચના મળતા દરેક દરિયાકાંઠાના તાલુકામાં પેટ્રોલિંગ વધારી દેવાયું છે. તેમણે પુષ્ટિ કરી કે તમામ સિંહોનું સ્કેનિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સિંહો સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હાલ તમામ સિંહો સુરક્ષિત છે.