અમરેલીમાં ગેસ પાઇપ લાઇન લિકેજ થતા આગ ભભૂકી, મોટી દુર્ઘટના ટળી
અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં ગટરના કામ માટે ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ થતાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટના જૂના માર્કેટિંગ યાર્ડના પ્રવેશ ગેટ પાસે બની હતી, જ્યાં જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું. ગેસ લાઇન લીકેજ થતાં જ આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના શોરૂૂમ અને દુકાનદારો તેમજ વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.ભરચક વિસ્તારમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર ટીમ, પ્રાંત અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂૂપે લોકોને ઘટનાસ્થળથી દૂર ખસેડવામાં આવ્યા હતા. ફાયર ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને લગભગ 25,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને નિયંત્રણમાં લીધી હતી.
આગ પર કાબુ મેળવ્યા બાદ યાર્ડ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.દિવાળીના તહેવારને કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હતી, તેવા સમયે આગ લાગવા છતાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલીના ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની જાણકારી મળતા જ તેમની ટીમ પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ ગેસ લાઇન લીકેજ થવાથી લાગી હોવાનું જણાય છે.