બોલેરો અડફેટે બાઇકસવાર પિતા-પુત્રી અને ભાણેજનાં મોત
લાઠીમા રહેતો યુવાન પોતાની 1પ વર્ષની પુત્રી અને 8 વર્ષની ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે લગ્ન પ્રસંગમા જતો હતો ત્યારે ખાખરીયા ચોકડી પાસે બોલેરો પીકઅપ ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર પિતા - પુત્રી અને ભાણેજ રોડ પર ફંગોળાયા હતા અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા પિતા - પુત્રીના ઘટના સ્થળે કરૂણ મોત નીપજયા હતા. જયારે માસુમ ભાણેજનુ સારવારમા મોત નીપજતા પરીવારમા કાળો કલ્પાંત સર્જાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીનાં લાઠી ગામે રહેતા વિજયભાઇ વલ્લભભાઇ નાગરુડુકીયા (ઉ.વ. 40) તેમની પુત્રી શ્રધ્ધાબેન વિજયભાઇ નાગરુડુકીયા (ઉ.વ. 17) અને વિજયભાઇની ભાણેજ કૃપાલીબેન નરેશભાઇ સોલંકી (ઉ.વ. 7) બાઇક લઇને બાબરાનાં ખાખરીયા ગામ પાસેથી પસાર થઇ રહયા હતા. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા બોલેરો પીકઅપનાં ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા બાઇક સવાર પિતા - પુત્રી અને ભાણેજ રોડ પર દડાની માફક ફંગોળાયા હતા અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઇ નાગરુડુકીયાનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ જયારે ગંભીર રીતે ઘવાયેલી તેમની પુત્રી શ્રધ્ધાબેન નાગરુડુકીયા અને ભાણેજ કૃપાલીબેન સોલંકીને સારવાર માટે બાબરા હોસ્પીટલે ખસેડાયા હતા.
જયા શ્રધ્ધાબેન નાગરુડુકીયાએ સારવાર મળે તે પુર્વે જ દમ તોડી દીધો હતો જયારે ગંભીર રીતે ઘવાયેલી કૃપાલીબેન સોલંકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડવામા આવી હતી. જયા માસુમ બાળકીનુ પણ મોત નીપજયુ હતુ. પિતા - પુત્રી અને ભાણેજનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક વિજયભાઇ નાગરુડુકીયા પાંચ બહેનોનાં એકનાં એક ભાઇ હતા અને તેમને સંતાનમા એક પુત્ર અને 3 પુત્રી છે. મૃતક શ્રધ્ધાબેન નાગરુડુકીયા ચાર ભાઇ બહેનમા વચેટ હતી અને ધો 9 મા અભ્યાસ કરતી હતી જયારે કૃપાલીબેન સોલંકી એક ભાઇ 3 બહેનમા વચેટ હતી અને ધો 3 મા અભ્યાસ કરતી હતી. વિજયભાઇ નાગરુડુકીયા પુત્રી શ્રધ્ધાબેન અને ભાણેજને બાઇકમા બેસાડી ખાખરીયા ગામે ફઇની દીકરીનાં લગ્નમા જઇ રહયા હતા ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે બાબરા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર બોલેરો પીકઅપનાં ચાલકને ઝડપી લીધો છે.