અમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોત
જસદણમાં રહેતાં અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વૃધ્ધ અમરેલીમાં લાઠી રોડ પર ટ્રક પર નાડા બાંધતાં હતાં ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા ટ્રક ચાલકનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં આવેલા શિતલીયા રોડ પર રહેતાં અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વિનોદભાઈ બચુભાઈ કુંભાણી નામના 62 વર્ષના વૃધ્ધ અમરેલીમાં લાઠી રોડ પર આવેલ કોટન મિલની બાજુમાં સાંજના છએક વાગ્યાના અરસામાં ટ્રક પર ચડી નાડા બાંધતાં હતાં ત્યારે અકસ્માતે કાબુ ગુમાવતાં નીચે પટકાયા હતાં.
ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વિનોદભાઈ કુંભાણી ત્રણ ભાઈમાં વચેટ અને અપરિણીત હતાં. ટ્રકમાં નાડા બાંધતી વખતે અકસ્માતે પટકાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.